ધોની આઇપીએલમાં ફરી ચેન્નઇ તરફથી રમી શકશે

ધોની આઇપીએલમાં ફરી ચેન્નઇ તરફથી રમી શકશે
દરેક ફ્રેંચાઇઝીને પ-પ ખેલાડી રિટેન કરવાની મંજૂરી મળી: ખરીદીની રકમ 66 કરોડથી વધારીને 80 કરોડની થઇ
નવી દિલ્હી તા.6: પૂર્વ ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોની માટે આઇપીએલમાં તેની જૂની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમવાનો રસ્તો લગભગ સાફ થઇ ગયો છે. આઇપીએલ સંચાલન પરિષદની આજે મળેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો હતો. જે અનુસાર દરેક ફ્રેંચાઇઝી તેના પાંચ ખેલાડીને રીટેન કરી શકે છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ પર બે વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો. આથી પાછલી બે સિઝનમાં ધોની પૂણે સુપર જાયન્ટ તરફથી રમ્યો હતો. હવે જયારે નવી સિઝનમાં સીએસકેની આઇપીએલમાં વાપસી થશે ત્યારે આ ફ્રેંચાઇઝી તેના સ્ટાર ખેલાડીઓ ધોની, રૈના અને જાડેજાને જાળવી રાખવાનું લગભગ નક્કી કરશે. સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજા ગુજરાત લાયન્સ તરફથી રમ્યા હતા. આ વખતે રાજસ્થાન રોયલ્સ ટીમની પણ વાપસી થશે.
આ ઉપરાંત સંચાલન સમિતિની બેઠકમાં દરેક ટીમનું વેતન બજેટ જે પહેલા 66 કરોડ રૂપિયા હતું તે વધારીને 80 કરોડ રૂપિયા કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આથી આઇપીએલની નવી સિઝનમાં ખેલાડીઓની હરાજી વખતે ખેલાડીઓ પણ વધુ રૂપિયાની બોલી લાગતી જોવા મળી શકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer