રિઝર્વ બૅન્કે વ્યાજદર યથાવત્ રાખતાં શૅરબજારો નિરાશ

નિફ્ટીએ 10,050નું સ્તર ગુમાવ્યું
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ વ્યાજદર યથાવત્ રાખતા બુધવારે સેન્સેક્ષ 200 પોઈન્ટ્સથી વધુ ઘટયો હતો જ્યારે નિફ્ટીએ 10,050ની સપાટી ગુમાવી હતી. એનએસઈમાં આઈટી સિવાયના દરેક સૂચકાંકો ઘટીને બંધ થયા હતા. પીએસયુ બૅન્ક 2.10 ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ 1.29 ટકા, ઓટો 0.72 ટકા અને રિયલ્ટી સેક્ટર્સના શૅર્સ 0.33 ટકા ઘટયા હતા. 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ અને હિન્દુસ્તાન યુનિલિવરના શૅર્સ સૌથી વધુ વધ્યા હતા જ્યારે સન ફાર્મા, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બૅન્ક સૌથી વધુ ઘટયા હતા. મધ્યમ ગાળાનો 4 ટકાનો લક્ષ્યને ફુગાવો પાર કરશે એ ભયથી આરબીઆઈએ ધિરાણ દર છ ટકા યથાવત્ રાખ્યા હતા. આરબીઆઈએ નાણાકીય વર્ષના બીજા છમાસિકમાં ફુગાવાનો અંદાજ આંશિક વધારીને 4.3-4.7 ટકા કર્યો છે. જ્યારે નાણાકીય વર્ષ-18નું ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) વૃદ્ધિનો અંદાજ 6.7 ટકા પર જાળવી રાખ્યો છે. 
બીએસઈ સેન્સેક્ષ 205.26 પોઈન્ટ્સ (0.63 ટકા) ઘટીને 32,597.18 પર બંધ રહ્યો હતો જ્યારે 50 શૅર્સ નિફ્ટી 74.15 પોઈન્ટ્સ (0.73 ટકા) ઘટીને 10,044.10 પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. 
આઈટી અને ટેકને બાદ કરતાં બીએસઈના દરેક ક્ષેત્રીય સૂચકાંકો લાલ રંગમાં બંધ રહ્યા હતા. મેટલ સૂચકાંક 2.03 ટકા, પીએસયુ 1.32 ટકા, બૅન્કિંગ 1.23 ટકા અને ઈન્ફ્રાસ્ટ્રકચર 1.15 ટકા ઘટયા હતા જ્યારે ફક્ત આઈટી ઈન્ડેક્સ 0.32 ટકા અને ટેક 0.03 ટકા વધ્યા હતા.  વ્યાજદર યથાવત્ રાખવાથી બીએસઈ બૅન્કિંગ ઈન્ડેક્સ 1.23 ટકા ઘટયો હતો, જેમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, એચડીએફસી બૅન્ક, બૅન્ક ઓફ બરોડા અને યસ બૅન્કના શૅર્સ 1.44 ટકા સુધી ઘટયા હતા.  દરમિયાન ફોરેન પોર્ટફોલિયો ઈનવેસ્ટર્સ (એફપીઆઈ) રૂા.1470.56 કરોડની વેચવાલી રહી હતી. જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટિટયૂશનલ ઈનવેસ્ટર્સ (ડીઆઈઆઈ) - સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોમાં રૂા.1074.39 કરોડના મૂલ્યના ઈક્વિટીની લેવાલી હતી. 
વૈશ્વિક બજારો
ડૉલર નબળો થતાં વોલ સ્ટ્રીટમાં ટેકનૉલૉજી ક્ષેત્ર ફરી નબળો પડતા એશિયાના શૅર્સ પર બુધવારે દબાણ જોવા મળ્યું હતું. એમએસસીઆઈનો ઈન્ડેક્સ 0.2 ટકા ઘટયો હતો. ઓસ્ટ્રેલિયાના શૅર્સ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.2 ટકા ઘટયો હતો. તેમ જ જપાનનો નિક્કી 0.5 ટકા ઘટયો હતો. વોલ્ટ ડિઝની કંપનીના શૅર્સમાં ઘટાડો થતાં વોલ સ્ટ્રીટના ટેકનૉલૉજી શૅર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે રોકાણકારોએ અમેરિકાના કર રૂપાંતરણની કોર્પોરેટ આવક ઉપરની અસરની આકારણી કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer