કમોસમી વરસાદથી કાંદા-ટમેટાં, શાકભાજીના ભાવ વધવાની આશંકા

મુંબઈ, તા.6 (કોજેન્સીસ) : ઓખી વાવાઝોડાને લીધે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડતા નાશિક અને લાસલગાંવ તેમ જ સંલગ્ન હોલસેલ બજારોમાં કાંદા, ટમેટાં અને અન્ય શાકભાજીઓના સપ્લાઈ પર અસર જોવા મળી હતી. શાકભાજીની પુરવઠા સાંકળનું કેન્દ્ર નાશિક છે, જ્યારે લાસલગાંવ કાંદાનું દેશમાં સૌથી મોટું બજાર છે. 
લાસલગાંવમાં આજે 1350 ટન કાંદાની આવક થઈ હતી, જ્યારે સોમવારે 2025 ટનની થઈ હતી, એમ એગ્રિકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમિટીના અધિકારીએ જણાવ્યું હતું. આજે કાંદાના ભાવ પ્રતિ 100 કિલો રૂા.2700 હતા, જે સરેરાશ ભાવની સરખામણીએ રૂા.50-100 વધુ છે, એમ લાસલગાંવના એક વેપારી પ્રવીણ કદમે જણાવ્યું હતું. 
નાશિકમાં વરસાદ સતત ચાલુ હોવાથી સાંજની હરાજીમાં ટમેટાંની આવક પર અસર પડવાની શક્યતા છે. સ્ટોરેજની ચિંતાથી આજે ટમેટાંની ખરીદી-વેચાણ મર્યાદિત થશે, એમ નાશિક સ્થિત રઈસ વેજિટેબલ કં.ના માલિક સલીમ મોગલે જણાવ્યું હતું. 
ટમેટાં નાશવંત પાક હોવાથી એકથી બે દિવસમાં તેનું પરિવહન કરવું પડે છે. હરાજીમાં ટમેટાંના ભાવ પ્રતિ કિલો રૂા.2-3 વધશે એવું વેપારીઓનું માનવું છે. સોમવારે નિકાસ લાયક ગુણવત્તા ધરાવતાં 1400 ટન ટમેટાં પ્રતિ કિલો રૂા.35માં નાશિકના પિંપલગાંવમાં આવ્યાં હતાં, એમ વેપારીએ જણાવ્યું હતું. વેપારીઓનું માનવું છે કે વરસાદ ચાલુ રહેશે તો ઉભા પાકને નુકસાન થશે અને શાકભાજીના ભાવમાં આગામી દિવસોમાં નોંધપાત્ર વધારો થશે.  
ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રના મોટા ભાગમાં આજે હળવોથી મધ્યમ વરસાદ પડશે અને ઉત્તર કોંકણમાં મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે. તેમ જ છૂટા છવાયા ભાગોમાં ગુરુવાર સુધી વરસાદ પડતો રહેશે એવી આગાહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer