સોનું બે મહિનાના તળિયાના સ્તરે

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ.તા. 6 : અમેરિકાના ટૅક્સ અંગેના સુધારાઓને લઇને ચિંતાના વાતાવરણ વચ્ચે ડૉલરની ધૂંવાધાર તેજી અટકી જવાથી સોનામાં પણ મંદીને બ્રેક લાગી ગઇ હતી. સોનું ન્યૂ યોર્કમાં ઓવરનાઇટમાં 1269 ડૉલર સુધી ઘટી ગયું હતું. આ લખાય છે ત્યારે 1271 ડૉલર હતા. સોનું હવે મહિનાના તળિયે પહોંચી જવાથી સ્થાનિક બજારોમાં ભાવ નીચા આવ્યા હતા. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુદ્ધતાવાળું સોનું 10 ગ્રામદીઠ રૂા.200ના ઘટાડામાં રૂા. 29,900 થઇ ગયું હતું. મુંબઇમાં રૂા. 110ના ઘટાડા સાથે રૂા. 29,135નો ભાવ હતો. 
સોનાની મંદીએ ચાંદી પણ 16 ડૉલર સુધી આવી ગઇ છે. રાજકોટમાં એક કિલોએ રૂા. 500નો કડાકો સર્જાવાથી રૂા. 38,000 થઇ ગયા હતા. મુંબઇમાં રૂા. 405 તૂટતા રૂા. 37,305 હતી. ચલણ બજારમાં બુધવારે સોનાની તેજી અટકી ગઇ હતી. અમેરિકાની સરકારમાં શટડાઉન સર્જાવાની શક્યતાએ ટૅક્સ ક્ષેત્રે થનારા સુધારાનું ભાવિ પણ ધૂંધળું બની ગયું છે. રિપબ્લિકનના વડપણ હેઠળ ચાલતા અમેરિકી હાઉસના પ્રતિનિધિઓએ સોમવારે સેનેટની સાથે રહીને કરવેરાના કાયદા અંગે મતદાન કર્યું હતું. કૉંગ્રેસ વિધેયક તરફ એક ડગલું આગળ વધ્યું છે. પરંતુ જો કાયદાના ઘડવૈયાઓ ચાલુ અઠવાડિયામાં જ અંદાજપત્રીય કરારો સુધી નહીં પહોંચી શકે તો સરકાર પર શટડાઉનનું જોખમ તોળાઇ રહ્યું છે. સોનાના ભાવ પર ડૉલરની તેજીની અસર પડી હતી અને હવે ડૉલર પર દબાણ આવવાથી સલામત રોકાણ માટે સોનાની ખરીદી નીકળી છે.આગામી અઠવાડિયામાં ફેડની બેઠકમાં વ્યાજદર વધવાની શક્યતા છે. એ પૂરતું સોના પર દબાણ રહેશે. જોકે ટૅક્સ ક્ષેત્રે થનારા સુધારા અમેરિકાના આર્થિક વિકાસને લાંબાગાળા સુધી આગળ નહીં વધારી શકે તેમ વિશ્લેષકોને જણાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer