મરીનો લઘુતમ આયાત ભાવ પ્રતિ કિલો રૂા. 500 નક્કી થયો

ખેડૂતોની વહારે આવી સરકાર
નવી દિલ્હી, તા.6 (કોજેન્સીસ) : સ્થાનિક મરીના ભાવ બે વર્ષની તળિયે જવાથી સરકારે મરીનો ન્યૂનતમ આયાત ભાવ પ્રતિ કિલો રૂા.500 નક્કી કર્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે. શ્રીલંકાના કસ્ટમ્સ વિભાગે વિયેતનામમાં ઉગાડેલા મરીને શ્રીલંકામાં ઉગાડયા હોવાનું ખોટું પ્રમાણપત્ર આપી ભારતમાં 4000 ટન મરી ઘુસાડવામાં આયાતકારોને મદદ કરી હોવાનો આક્ષેપ કોચીનના ઇન્ડિયન પેપર ઍન્ડ સ્પાઈસ ટ્રેડર્સ ગ્રોવર્સ, પ્લાર્ન્સ કોન્સોર્શિયમે કર્યો હતો અને આ બાબતે સરકારને હસ્તક્ષેપ કરવા આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. 
તાજેતરમાં સસ્તી આયાતને પગલે મરીના સ્થાનિક ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં ઉત્પાદકો ચિંતામાં હતા. મરીના ભાવ ત્રણ વર્ષની તળિયે પ્રતિ કિલો રૂા.410 છે, જે છેલ્લાં એક વર્ષમાં 40 ટકાનો ઘટાડો દર્શાવે છે. ગયા વર્ષના ડિસેમ્બરમાં મરીનો ભાવ પ્રતિ કિલો રૂા.700 હતો. 
સ્થાનિક ભાવમાં ઘટાડાને રોકવા ઉત્પાદકોએ આયાત પર અંકુશ લાદવાની માગણી કરી હતી. ભાવમાં ઘટાડા પાછળનું કારણ વિયેતનામથી નબળી ગુણવત્તાની કરવામાં આવતી મરીની આયાત જવાબદાર હતી, જેને શ્રીલંકાના માર્ગે લવાતી હતી. ભારત-શ્રીલંકા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ્સના લીધે શ્રીલંકાના માર્ગે વિયેતનામની સસ્તી મરીની આયાત કરવામાં આવતી હતી. 
સ્થાનિક વેપારીઓ આ સસ્તી આયાત થયેલી મરીને સ્થાનિક પ્રીમિયમ ગુણવત્તાની મરી સાથે ભેળસેળ કરી ઊંચા ભાવે વેચતા હતા અને સારો નફો મેળવતા હતા, એમ કોફી અને મરી ઉત્પાદકોનું ઍસોસિયેશન કર્ણાટક ગ્રોવર્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ એન.કે. પ્રદીપે જણાવ્યું હતું. 
ભારત મરીની આયાત કરી તેમાં અૉઈલ અને ઓઈલોરેસિન જેવા મૂલ્ય વધારો કરીને તેને અમેરિકા, યુરોપ અને અૉસ્ટ્રેલિયામાં નિકાસ કરે છે. વધુ આયાત સહિત વર્ષ 2018માં વિપુલ સ્થાનિક પાક થવાની ધારણાથી પણ ભાવ ગબડયા હતા. 
વેપારીઓનો અંદાજ છે કે વર્ષ 2018માં ભારતમાં મરીનો પાક 64,000 ટન થશે, જે 2017ના 55,500 ટનની સરખામણીએ વધુ છે. 
મરીની લણણી ઝડપી વેગે થઈ રહી છે એવામાં ન્યૂનતમ આયાત ભાવ નક્કી થવાથી સ્થાનિક ભાવ સુધરશે, એમ સરકારી પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer