ડેબિટ કાર્ડનો ઉપયોગ વધે તે માટે વેપારીઓને વધુ પ્રોત્સાહન મળશે


વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ગઈકાલે ડેબિટ કાર્ડના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એસડીઆર)ના માળખામાં ફેરફાર કર્યા છે.
નાના વેપારીઓ - જેમનું પાછલા નાણાં વર્ષ દરમિયાન રૂા. 20 લાખ સુધીનું ટર્નઓવર હોય તેમને પ્રતિ ટ્રાન્ઝેકશન રૂા. 200 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જે કયુઆર કોડ આધારિત કાર્ડ માટે પણ આ જ દર રહેશે. ડેબિટ કાર્ડના ઉપયોગ માટે નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા આ સુધારા કરવામાં આવ્યા છે. જેમનું ટર્નઓવર આગલા વર્ષ દરમિયાન રૂા. 20 લાખથી વધુ થયું હોય તેવા વેપારીઓ માટે અૉનલાઈન કાર્ડ ટ્રાન્ઝેકશન અને કયુઆર કોડ આધારિત કાર્ડના ઉપયોગ ઉપર  રૂા. 1000 સુધીનું ડિસ્કાઉન્ટ (એમડીઆર) મળશે.
આરબીઆઈએ બૅન્કોને એક પરિપત્ર દ્વારા સૂચના આપી છે કે તેઓ મર્ચન્ટસ ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ સ્વીકારતી વેળા એમડીઆરનો બોજ ગ્રાહકોના શીરે નાખી નહીં શકે.
1 જાન્યુઆરી, 2018થી આ સુધારા અમલમાં આવશે, એમ આરબીઆઈના ચીફ જનરલ મૅનેજર (ઈનચાર્જ) નંદા એસ. દવેએ જણાવ્યું હતું.
રિઝર્વ બેન્કની નાણાકીય સમિતિની બેઠક ગઈકાલે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં સમિતિએ વ્યાજદર ઘટાડવાનો નિર્ણય ન કરતા લોકો નિરાશ થયા છે. આરબીઆઈએ સમીક્ષા દરમિયાન ક્રૂડ અને શાકભાજીની વધતી કિંમતને ધ્યાને રાખીને આગામી બે છમાસીક ગાળા માટે ફુગાવાનો અંદાજ 4.2 અને 4.6 ટકાના દરેથી વધારીને 4.3 અને 4.ટ ટકા કર્યો છે. આ ઉપરાંત ઔદ્યોગીક ઉત્પાદનમાં વધારાને ધ્યાને લઈને પાંચ ત્રિમાસીક ગાળા બાદ પહેલી વખત અંદાજીત વિકાસ દર પણ સુધારીને 2018માં 6.7 ટકાએ રહેશે તેવું કહ્યું છે. 
નાણાકીય સમિતિએ સમિક્ષામાં મુખ્ય નીતિગત દર રેપો રેટને 6 ટકાએ યથાવત રાખ્યો છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટને 5.75 ટકા અને સીઆરઆર 4 ટકા અને એસએલઆર 19.5 ટકાએ કાયમ રાખ્યો છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer