`રેરા''ની કાયદેસરતાને બૉમ્બે હાઈ કોર્ટે માન્ય રાખી

`રેરા''ની કાયદેસરતાને બૉમ્બે હાઈ કોર્ટે માન્ય રાખી

મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : બૉમ્બે હાઈ કોર્ટે આજે રિયલ એસ્ટેટ (રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ) એકટ (રેરા)ની કાયદેસરતાને માન્ય રાખતા જણાવ્યું હતું કે તેનો હેતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ કરવાનો છે.
આ વર્ષના મે મહિનામાં અમલી બનાવવામાં આવેલા રેરા ધારાની બંધારણીય કાયદેસરતાને પડકારતી બીલ્ડરો અને પ્લોટના માલિકોની અરજીઓ પર ન્યાયાધીશો નરેશ પાટીલ અને રાજેશ કેતકરેની બનેલી બેન્ચે આજે ચુકાદો આપ્યો હતો.
જસ્ટિસ પાટીલની આગેવાની હેઠળની બેન્ચે જોકે આજના આ ચુકાદામાં બીલ્ડરોને રાહત આપતા રાજ્ય સ્તરની રેરા અૉથોરિટી અને એપેલેટ ટ્રિબ્યુનલને કેસના આધારે વિલંબ અંગે વિચારણા કરવાની છૂટ આપી હતી અને જ્યાં અસાધારણ સંજોગોમાં વિલંબ થયો હોય તેવા કેસમાં આવા પ્રોજેક્ટો કે ડેવલપર્સના રજિસ્ટ્રેશનને 2દ નહીં કરવાની પણ સલાહ આપી હતી.
આવી સત્તાનો ઉપયોગ પ્રત્યેક કેસના આધારે કરવો જોઈએ. આવા કેસમાં જરૂર પડે તો અૉથોરિટી રાજ્ય સાથે મસલત કરી શકે છે એમ બેન્ચે વધુમાં જણાવ્યું હતું.
બેન્ચે એવો ચુકાદો આપ્યો હતો કે આ કાયદો દેશભરના ફલૅટ ખરીદનારાઓનાં હિતોનું રક્ષણ કરશે.
`રેરા' એ માત્ર રેગ્યુલેટરી અૉથોરિટી અને બીલ્ડરોના સંબંધનો જ કાયદો નથી, પરંતુ તેનો હેતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ કરવાનો છે, એમ બેન્ચે વધુમાં જણાવ્યું હતું.
`સમસ્યાઓ ઘણી છે. પ્રત્યેક નાગરિકની આંખના આંસુ લૂછવાના મહાત્મા ગાંધીના સપનાને પૂરું કરવાનો સમય આવી ગયો છે,' એમ જસ્ટિસ પાટીલે જણાવ્યું હતું.
આ ધારામાં તમામ ડેવલપરો અને પ્રમોટરો રાજ્ય સ્તરની રેગ્યુલેટરી અૉથોરિટી સાથે નોંધણી કરાવે એ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer