સાકરનાં કારખાનાં અંગે અણ્ણા હઝારેની ફરિયાદનો રાજ્ય સરકાર જવાબ આપે : હાઈ કોર્ટ

સાકરનાં કારખાનાં અંગે અણ્ણા હઝારેની ફરિયાદનો રાજ્ય સરકાર જવાબ આપે : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 6 : વરિષ્ઠ સમાજ સેવક અણ્ણા હઝારેએ નોંધાવેલી ફરિયાદનું શું થયું? આ પ્રશ્નનો જવાબ રાજ્ય સરકારે મુંબઈ હાઈ કોર્ટને અઠવાડિયામાં આપવો તેવો આદેશ કોર્ટે કર્યો હતો.
રાજ્યમાં સાકરના કારખાના ખોટમાં ગયા હોવાના પ્રકરણે હઝારેએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવાર, ભૂતપૂર્વ ઉપ મુખ્ય પ્રધાન અજિત પવાર અને અન્ય નેતાઓ વિરુદ્ધ નોંધાવેલી યાચિકાની સુનાવણી હાઈ કોર્ટમાં ફરીથી શરૂ થશે.
વર્ષ 2004-14 દરમિયાન પવાર કેન્દ્રીય પ્રધાન હતા. તે વખતે 12 રૂપિયા પ્રતિ કિલો દરે સાકરના નિકાસનો નિર્ણય તેમણે લીધો હતો પરંતુ, દેશમાં સાકરની અછત થતાં જ 36 રૂપિયા કિલોના દરે 50 લાખ ટન સાકર આયાત કરવામાં આવી હતી. તત્કાલીન વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે આ મોટો ગોટાળો હોવાનો આક્ષેપ કર્યો હતો. તે સમયમાં કેન્દ્ર સરકારે સાકરના કારખાના માટે અનેક યોજના ઘડી હતી. આ બધી જ યોજનાનો લાભ રાષ્ટ્રવાદી પક્ષ અને અન્ય રાજકીય નેતાઓએ ઉઠાવ્યો હોવાનો દાવો યાચિકામાં કરાયો છે.
આ બધી ઘટના બાદ સાકરના કારખાના આર્થિક તંગીમાં મૂકાયા છે તેવું બતાવી તેમને પાણીના ભાવે વેંચવામાં આવ્યા હતા. તેથી સરકારની તિજોરી પર એક લાખ કરોડ રૂપિયાથી વધુ કર્જનો બોજ વધ્યો હતો. ગેરકાયદે વેંચવામાં આવેલા આ બધા જ સાકરના કારખાના સરકારે ફરીથી તાબામાં લેવા જોઈએ અને ગોટાળામાં સામેલ જિલ્લા બૅન્કમાં રિઝર્વ બૅન્ક અને નાબાર્ડે પ્રશાસકની નિમણૂક કરવી, સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની તપાસ કરાવવી તેવી માગણી યાચિકામાં કરવામાં આવી છે.
આ યાચિકા સિવાય હઝારેએ બે જનહિત અરજી કોર્ટમાં કરી છે. જેમાં ગરેકાયદે વેંચાયેલા સાકરના કારખાના સરકારે તાબામાં લેવા તેવા માગણી કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer