99,435 ફેરિયાને લાઈસન્સ મળશે?

99,435 ફેરિયાને લાઈસન્સ મળશે?

222 રસ્તા પર હૉકિંગ ઝોન, મહિલા અને વરિષ્ઠ નાગરિકો માટે સ્વતંત્ર ફેરીવાલા ક્ષેત્ર

મુંબઈ, તા. 6 : ફેરિયાઓ પર કાર્યવાહીના મુદે રાજકીય પક્ષોમાં વાદ ઊભો થયો છે ત્યારે નવી ફેરિયા નીતિનો અમલ કરવા માટે પાલિકા સજ્જ છે. ફેરિયાઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં જાણ થઈ કે અંદાજે 99,435 ફેરિયાઓ યોગ્યતાને પાત્ર છે. યોગ્યતા પાત્ર ફેરિયાઓને શહેર અને પરાંમાં 222 રસ્તા પર તૈયાર થનારા હૉકિંગ ઝૉનમાં સમાવેશ કરવામાં આવશે. 
આજીવિકા સંરક્ષણ અને ફુટપાથો પરના વેચાણ અંગેના કાયદા, 2014 ને કેન્દ્ર સરકારે મંજુરી આપી છે. હાઈ કોર્ટે આ કાયદાને અમલમાં મુકવાનો આદેશ પણ આપ્યો છે પરંતુ રાજકીય ગરમાગરમીને કારણે તેનો અમલ થયો નથી. એલફિન્સ્ટન દુર્ઘટના બાદ ફેરિયાઓની સમસ્યાએ જોર પકડયું છે. રેલવેના પરિસર બાદ હવે શાળા, પાલિકાના બજારો, પ્રાર્થના સ્થળ અને હૉસ્પિટલના વિસ્તારોને તબક્કા વાર ફેરિયા મુક્ત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. 
મુંબઈમાં ફેરિયાઓની સંખ્યા ત્રણ લાખ છે તેવો ફેરીવાલા સંઘઠનનો દાવો છે. પરંતુ 2014 માં પાલિકાએ ફેરીવાળાઓની ગણતરી માટે 1,28,493  અરજીઓનું વિતરણ કર્યુ હતું. તેમાંથી ફક્ત 99,435 અરજીઓ પાલિકા પાસે જમા થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સર્વેક્ષણમાં આવેલી અરજીઓની વિભાગ પાડીને તપાસ કરવામાં આવી રહી હોવાથી આ ફેરિયાઓ યોગ્યતાને પાત્ર હોવાની શક્યતા છે. સર્વેક્ષણની અરજીઓ મુજબ તેમનો બાયોમેટ્રિક ડેટા તૈયાર કરવામાં આવશે. 
ફેરીવાલા ક્ષેત્રમાં વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે આરક્ષિત ઝૉન રાખવાનો મહાપાલિકાનો વિચાર છે. પાલિકાએ 2007માં 22,097 ફેરિયાઓને જગ્યા આપી હતી. તેની યાદી પાલિકાની વૅબસાઈટ પર જાહેર કરી છે અને 19 ડિસેમ્બર સુધી વાંધા વચકા મોકલવાનું આહ્વાન કર્યુ છે. ત્યારબાદ બીજા તબક્કામાં 87 જગ્યાઓ માટે સૂચના મંગાવવામાં આવશે. તે આવ્યા બાદ વર્ષના અંતમાં જગ્યા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ જ આગળની પ્રક્રિયા શરૂ  થશે તેમ મુંબઈ પાલિકાના નીધિ ચૌધરીએ કહ્યું હતું. ફેરિયાઓની સાત વિભાગીય સમિતિ
નિયુક્ત કરવામાં આવશે. પ્રત્યેક સમિતિમાં છ બિનસરકારી સભ્યોની નિમણૂક માટે પાલિકાએ 19 જાન્યુઆરી સુધી અરજી કરવાનું જણાવ્યું છે. 
સૂત્રોએ જણાવ્યું હતું કે, અપંગો માટે 24 વિભાગમાં આરક્ષિત ઝૉન રાખવામાં આવશે. જેમાં તેઓ વિવિધ વ્યવસાય કરી શકશે. તેમ જ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે પણ ફેરીવાલા ઝૉન રાખવાનો વિચાર પાલિકા પ્રશાસન કરી રહ્યું છે. પરંતુ આરક્ષિત ઝૉન બાબતે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer