ટીમ ઇન્ડિયા કડડભૂસ : શ્રીલંકાનો 7 વિકેટે વિજય

ટીમ ઇન્ડિયા કડડભૂસ : શ્રીલંકાનો 7 વિકેટે વિજય

શ્રીલંકાએ તેની સતત 12 વન ડે હારનો ક્રમ તોડયો: 1-0થી આગળ : ધર્મશાલાની ઉછાળવાળી વિકેટ પર કોહલી વિનાની ભારતીય ટીમનો 112માં ધબડકો: ધોનીએ લડાયક 65 રન કર્યા: મૅન ઓફ ધ મૅચ લકમલની 13 રનમાં 4 વિકેટ
 
ધર્મશાલા, તા.10: સુરંગા લકમલની ધારદાર ઝડપી બોલિંગ અને બાદ ઉપુલ થરંગાની ઉપયોગી બેટિંગની મદદથી શ્રીલંકાએ આજે અહીં રમાયેલા પહેલા વન ડેના એકતરફી મુકાબલામાં ભારતને 7 વિકેટે હાર આપીને તેમની સતત 12 હારનો ક્રમ તોડયો હતો. આ જીતથી ત્રણ મેચની શ્રેણીમાં શ્રીલંકા 1-0થી આગળ થયું છે. આજના મેચમાં વિરાટ કોહલી વિનાની ભારતીય ટીમનો 112 રનમાં ધબડકો થયો હતો. એકમાત્ર અનુભવી ધોનીએ લડાયક 65 રન કરીને ભારતને તેના સૌથી ઓછા સ્કોરમાંથી બચાવી લીધું હતું. આ હારથી ટીમ ઇન્ડિયાએ ફરી નંબરવન બનવાની તક પણ ગુમાવી દીધી છે.
113 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ ઉપુલ થરંગાની 46 દડામાં 10 ચોક્કાની મદદથી 49 રનની ઇનિંગથી 20.4 ઓવરમાં 3 વિકેટે 114 રન કરીને જીત મેળવી હતી. મેથ્યૂસ 24 અને ડિકવેલે 26 રને અણનમ રહ્યા હતા. શ્રીલંકાએ 176 દડા બાકી રાખીને ટીમ ઇન્ડિયા પર ધમાકેદાર જીત મેળવી હતી. ભારતની ધરતી પર દડા બાકી રહેતા ભારતની આ સૌથી મોટી હાર છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 2007માં વડોદરામાં 145 દડા બાકી રાખીને વિજય મેળવ્યો હતો. જ્યારે શ્રીલંકાએ તેની ધરતી પર ઓગસ્ટ 2010માં દાંબુલામાં 209 દડા અને હંબનટોટામાં જુલાઇ 2012માં 181 દડા બાકી રાખીને જીત મેળવી હતી. 
આજના મેચમાં લંકાએ ટોસ જીતીને ભારતને પહેલો દાવ આપ્યો હતો. શ્રીલંકાની કાતિલ બોલિંગ સામે ભારતે 16 રનમાં 5 વિકેટ અને 29 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આથી ભારત પર તેના સૌથી ઓછા સ્કોર 54 રનથી પણ નીચે આવી જવાનો ખતરો હતો, જે ભારતે શારજહામાં શ્રીલંકા સામે જ 2000ના વર્ષમાં કર્યો હતો, પણ ધોનીએ 87 દડામાં 10 ચોક્કા અને 2 છક્કાથી 6 રનની લડાયક ઇનિંગ રમીને ભારતીય ટીમને આ નાલેશીમાંથી બચાવી લીધું હતું. પૂંછડિયા કુલદિપ યાદવે 25 રન કર્યા હતા. હાર્દિકના 10 રન થયા હતા. ભારતના આ ત્રણ બેટધર જ ડબલ ફિગરે પહોંચ્યા હતા. મેન ઓફ ધ મેચ સુરંગા લકમલે 13 રનમાં 4 વિકેટ લીધી હતી. 
ધર્મશાલાની ઉછાળવાળી વિકેટ પર કોહલી વિનાની ભારતીય ટીમ લંકાના બોલરો સામે રીતસરની કડડભૂસ થઇ ગઇ હતી. જે તેના માટે આગામી આફ્રિકાના પ્રવાસ પહેલા મોટી ચેતવણી સામન છે. સુકાની રોહિત (2), શિખર (0), શ્રેયસ (9), કાર્તિક (0) અને પાંડે (2) ધર્મશાલાની બાઉન્સી વિકેટ પર શ્રીલંકાની સ્વિંગ બોલિંગ સામે નતમસ્તક જોવા મળ્યા હતા. આથી ભારતની અડધી ટીમ 14 ઓવરમાં 16 રનમાં પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. આ પછી ભારત 112 રન સુધી પહોંચ્યું હતું. બીજો વન ડે મોહાલીમાં 13મીએ રમાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer