દેશમાં પોલીસ કસ્ટડી મૃત્યુમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને!

 
મુંબઈ, તા. 10 : સાંગલીમાં પોલીસ કસ્ટડી દરમિયાન એક વ્યક્તિના થયેલા મૃત્યુનું પ્રકરણ હાલ ચર્ચામાં છે ત્યારે દેશમાં સર્વાધિક કસ્ટડી મોત મહારાષ્ટ્રમાં થાય છે એવી ચોંકાવનારી માહિતી બહાર આવી છે. મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ કસ્ટડી મોત થયાનું આંકડા જણાવે છે.
દેશમાં ગુનાખોરીના આંકડા રજૂ કરતા `ક્રાઈમ ઈન ઈન્ડિયા-2016'નો અહેવાલ તાજેતરમાં જ પ્રસિદ્ધ થયો હતો. જેમાં દેશમાં પોલીસના તાબા દરમિયાન થયેલા મૃત્યુનો આંકડો આપવામાં આવ્યો છે.
2016માં દેશમાં 92 કસ્ટડી ડેથ થયાં હતાં જેમાંથી 69 પ્રકરણમાં તપાસ ચાલુ છે. 21 પ્રકરણમાં પોલીસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દેશમાં સૌથી વધુ કસ્ટડી મોત મહારાષ્ટ્ર (16)માં થયા છે. એ બાદ ગુજરાત અને મધ્યપ્રદેશ દરેકમાં 11 મૃત્યુ થયા છે.
રાજ્યમાં 12 કેસમાં અદાલતી તપાસ ચાલુ છે અને ત્રણ કેસમાં પોલીસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
કસ્ટડીમાં આત્મહત્યા કરવાની સૌથી વધુ 38 ઘટના નોંધાઈ હતી. તેમ જ બીમારીને કારણે 28 જણ મૃત્યુ પામ્યા હતા. કસ્ટડી દરમિયાન આરોપીઓ વચ્ચે થયેલી મારામારીમાં બે જણનાં મોત નીપજ્યાં હતાં.
દરમિયાન પોલીસ કસ્ટડી દરમિયાન આરોપી નાસી છૂટવાની ઘટનાઓ પણ દેશમાં વધી રહી છે.
દેશમાં કસ્ટડી દરમિયાન 1320 આરોપી નાસી છૂટયા હતા. જેમાંથી 950 જણને ફરી પકડી લેવામાં આવ્યા હતા. કસ્ટડીમાંથી નાસી છૂટવાની ઘટનાઓમાં ઉત્તર પ્રદેશ (133), મધ્યપ્રદેશ (282) અને એ બાદ મહારાષ્ટ્રનો નંબર આવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer