કૉંગ્રેસનો પડકાર : નરેન્દ્ર મોદી દાવો સાબિત કરે અથવા માફી માગે


નવી દિલ્હી, તા. 10 : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પાકિસ્તાની ઉચ્ચ આયુક્ત સાથે બેઠક કરી હોવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી કોંગ્રેસ ભડકી છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, મોદી આ દાવો સાબિત કરે અથવા માફી માંગે.
વડાપ્રધાન ખોટાં નિવેદનો કરે છે, જે શરમજનક છે. માત્ર ગુજરાતનો ચૂંટણી જંગ જીતવા ખાતર મોદી મર્યાદા ભંગ કરે છે તેવો આક્ષેપ શર્માએ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જે પક્ષના ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનને તોડવા સાથે ભારતની એકતા માટે શહાદત વહોરી હતી.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને આજે જ એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ નેતાઓના એક જૂથે મણિશંકર ઐયરના નિવાસસ્થાને પાક ઉચ્ચ આયુક્ત સાથે બેઠક કરી હતી.
દરમ્યાન, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલા, મહિલા પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદી સહિતના નેતાઓએ ભાજપ અને ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપના પાકિસ્તાન પ્રેમના આક્ષેપ સાથે ભાજપના નેતાઓ પાસેથી જવાબ માગ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતૃત્વ પાસેથી દાઉદ ઇબ્રાહીમ, તેની પત્ની, પાકિસ્તાની એજન્સી સહિતના મુદ્દે 12 જેટલા ગંભીર પ્રશ્નો પૂછી તેનો જનતાને જવાબ આપવા ભાજપના નેતાઓને પડકાર ફેંકયો છે.
પાકિસ્તાન પ્રેમ જગજાહેર છે. તેમણે ભાજપને પ્રશ્નો પૂછયા હતા કે, કેમ ભાજપ અને ભાજપ સરકારોના નાકના નીચે દાઉદ ઇબ્રાહીમ તથા અન્ય આંતકવાદીઓની ગતિવિધિઓ પર રોક લાગી નથી રહી ?

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer