તબીબોએ પેટમાં લગાવ્યું બીજું હૃદય


ચેન્નાઈ, તા. 10 : હૃદયનું પ્રત્યારોપણ કરાવવાનું હોય એવા દરદીઓ માટે એક સારા સમાચાર છે. જે દરદીઓનું દિલ કમજોર હોય એમના શરીરમાં બે હૃદય લગાવી શકાય છે ! ચેન્નાઈના એક હાર્ટ સર્જને બે કૂતરાના શરીરમાં વધારાના હૃદય સફળતાપૂર્વક લગાવ્યા છે. આ હૃદય કૂતરાના પેટમાં લગાવાયા છે. 
જે દરદીઓ શારીરિક રીતે હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે ફિટ હોતા નથી તેમના માટે આ રીતની સારવાર માટે ફ્રન્ટિયર લાઈફલાઈન ટીમે સ્ટેટ ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી પાસે પરવાનગી માગી છે. પોતાના પ્રયોગને અન્ય હાર્ટ સર્જનો સમક્ષ મૂકતાં તબીબોની ટીમે જણાવ્યું હતું કે, તે આ ટેકનિકનો ઉપયોગ માનવના શરીરમાં કરવા માગે છે અને તે કેટલું સફળ રહે છે એ જોવા માગે છે.  ટ્રાન્સમેનના સભ્યસચિવ ડો.પી.બાલાજીએ કહ્યું હતું કે, આ સંબંધમાં સરકારને સૂચન કરવામાં આવશે. 
ફ્રન્ટિયર લાઈફલાઈનના મુખ્ય તબીબ કે.એમ.ચેરિયને જણાવ્યું હતું કે, કોઈ અન્ય શરીરમાં નખાયેલા હૃદયની પમ્પિંગની ક્ષમતા 30 ટકાથી ઓછી થાય તો સર્જન તેને કાઢી લેશે. એનાથી વિપરીત હૃદય બંધ થઈ ગયું હોય એવા કેટલાય દરદી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકતા નથી. કારણ કે તેમાં અન્ય અંગો કામ કરતા બંધ થઈ જવા સહિતની અનેક જટિલતાઓ છે. દરદીઓને મામૂલી કામ કરતું હોય એવું હૃદય આપવાને બદલે બીજા હૃદયની ટેકનિકથી જિંદગી અને નાણાં બંને બચાવી શકાય છે. અગાઉ કોઈમ્બતુરમાં ડોકટરોએ હેટ્રોટ્રોપિક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું જેમાં દરદીની છાતીમાં એક નાનું વધારાનું હ્રદય લગાવાયું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer