મોદીની રૅલીમાંથી પરત ફરેલી મહિલાને પતિએ આપ્યા ટ્રિપલ તલાક


બરેલી, તા. 10 : ઉત્તરપ્રદેશના બરેલીમાં ટ્રિપલ તલાકના કાયદા મામલે યોજાયેલી  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાંથી ઘરે પરત ફરેલી મુસ્લિમ મહિલાને પતિએ તલાક તલાક તલાક કહીને સબંધો તોડી નાખ્યા છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, રેલીમાંથી પરત ફરતા જ પતિએ માર માર્યો હતો અને તલાક આપતા કહ્યું હતું કે, મોદી મને નુકશાન પહોંચાડવા માટે કાંઈ કરી શકે તેમ નથી. આ મામલે મહિલાના પતિએ આક્ષેપોને નકાર્યા છે અને મોદીજીની રેલી સાથે કોઈ સબંધ ન હોવાનું અને ટ્રિપલ તલાક આપ્યા ન હોવાનું કહ્યું છે.
બરેલીમાં રહેતી ફાયરા નામની મુસ્લિમ મહિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં જઈ પરત ઘરે પહોંચતા પતિએ ટ્રિપલ તલાકનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ થયો છે.  ફાયરાએ આક્ષેપ કર્યો છે કે, દાનીશને તેની કાકી સાથે શારીરિક સબંધ છે અને તેનો એક પુત્ર પણ છે. આ કારણે જ તલાક આપવામાં આવ્યા છે. મોદીની રેલીમાંથી ઘરે પહોંચતાની સાથે દાનીશે તેને અને પુત્રને માર મારીને ઘરની બહાર ફેંકી દીધા હતા. વધુમાં ટ્રિપલ તલાક આપીને કહ્યું હતું કે, મોદી મારૂં કાંઈ બગાડી શકે તેમ નથી. બીજી તરફ ફાયરાના પતિ દાનીશે કહ્યું છે કે, તેની પત્નિને અન્ય સાથે સબંધ હોવાના કારણે તલાક આપ્યા છે અને ટ્રિપલ તલાકનો ઉપયોગ થયો નથી. આ ઉપરાંત મોદીજીની રેલી સાથે પણ આ મામલાને કોઈ સબંધ નથી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer