રાજ્ય સરકારના બે જ લાભાર્થી છે - ભાજપ પોતે અને ઉદ્ધવ ઠાકરે : વિખે પાટીલનો આક્ષેપ

રાજ્ય સરકારના બે જ લાભાર્થી છે - ભાજપ પોતે અને ઉદ્ધવ ઠાકરે : વિખે પાટીલનો આક્ષેપ
 
મુંબઈ, તા. 10 : ભાજપ-શિવસેના સરકારે તેના ત્રણ વર્ષના કાર્યકાળમાં મહારાષ્ટ્રને ઉધવસ્ત કરવાનું કામ કર્યું છે. સરકારની કામગારી શૂન્ય હોવાથી તે `મી લાભાર્થી'ની ફસાવનારી જાહેરાતો કરવા લાગી છે અને હકિકતમાં સરકારનાં ખરા લાભાર્થી બે જ  છે એક ભાજપ પોતે અને બીજા ઉદ્ધવ ઠાકરે,' એવો આક્ષેપ વિધાનસભામાં વિરોધી પક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે કર્યો છે.
તેમણે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં આ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આજે સંપૂર્ણ મહારાષ્ટ્ર તેમ જ પ્રત્યેક સમાજ-જૂથમાં રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રચંડ અસંતોષ પ્રવર્તે છે. સત્તાધારી ભાજપના વિધાનસભ્યો અને સાંસદોમાં પણ અસંતોષ છે. બે દિવસ પહેલાં ભાજપ સાંસદ નાના પટોલેએ રાજીનામું આપી દીધું છે. એ પહેલાં શિવસેનાની એક બેઠકમાં એક વિધાનસભ્યે પણ સરકારમાંથી નીકળી જવાની માગણી કરી હતી.
તેમણે કહ્યું હતું કે ખેડૂતોની લોન માફીની યોજનાને સરકારે છત્રપતિ શિવાજી મહારાજનું નામ આપ્યું હતું, પરંતુ શિવાજીના નામે મહારાષ્ટ્રમાં ખેડૂતો સાથે  મોટી છેતરાપિંડી થઇ છે. લોન માફીમાં થયેલા વિલંબને કારણે અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી છે. લોન માફીની જાહેરાત બાદ દોઢ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
લોન માફીનો લાભ મળ્યો નહીં એથી વાશિમ જિલ્લામાં જ્ઞાનેશ્વર મિસાળ નામના ખેડૂતે 6 ડિસેમ્બરે યવતમાળમાં આત્મહત્યા કરી હતી. તેણે કૃષિ રાજ્ય પ્રધાન સદાભાઉ ખોત અને સમાજકલ્યાણ પ્રધાન રાજકુમાર બડોલેની મુલાકાત લીધી હતી અને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને આત્મહત્યાની ચીમકી આપી હતી. છતાં સરકારે પગલાં નહીં લેતાં તેણે આત્મહત્યા કરી હતી, એવો આરોપ પાટીલે કર્યો હતો.
સરકારે લોન માફી મેળવનારા ખેડૂતોની યાદી તત્કાળ જાહેર કરવી જોઇએ એવી માગણી પણ તેમણે કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer