કૉંગ્રેસ મત બૅન્કની રાજનીતિ કરે છે : અમિત શાહ

કૉંગ્રેસ મત બૅન્કની રાજનીતિ કરે છે : અમિત શાહ

પત્રકાર પરિષદમાં ભાજપ અધ્યક્ષના પ્રહાર 

અમદાવાદ, તા. 10 : ગુજરાત ચૂંટણીમાં ભાજપ સામે પડકાર ઊભો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી ઉપર હવે ભાજપે અનેક મોરચે પ્રહારો કરવાની શરૂઆત કરી છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજીને અમિત શાહે આજે કોંગ્રેસ પાર્ટી ઉપર વોટબેંકની રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, માત્ર વોટની લાલચમાં કોંગ્રેસે રાષ્ટ્રવિરોધી તાકાતો સાથે હાથ મિલાવી લીધા છે. વર્ષ 2017માં 2002નો ઉલ્લેખ કરવા પાછળ આ ઇરાદા રહેલા છે.
શાહે કોંગ્રેસને ધ્રુવીકરણની જનની ગણાવીને કહ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાત ચૂંટણીમાં પોતાના આધારને જાતિવાદ બનાવી દીધો છે. રાહુલે મંદિર મંદિર માટેની દોડ લગાવી છે.
ભાજપે અધ્યક્ષે કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, જિજ્ઞેશ મેવાણીને ફંડ આપનારી સંસ્થા આઈએસ માટે કામ કરી રહી છે. બીજા તબક્કાના મતદાન અગાઉ આજે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, ભાજપ ફકત વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહી છે. અમે અમારો વિકાસનો એજન્ડા લોકો સમક્ષ મૂક્યો છે. મારી વિનંતી છે કે, કોંગ્રેસ છેલ્લા સમયમાં જે તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે તેનો લોકો જવાબ આપશે.
તેમણે કહ્યું કે, દલિત નેતા અને વડગામથી ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસ ઉમેદવાર ઊભો ન રાખીને સમર્થન કરવાની જાહેરાત કરી છે. પરંતુ કોંગ્રેસ પ્રેરિત જિજ્ઞેશ મેવાણીને ફંડ આપનારી સંસ્થા આઈએસ માટે કામ કરી રહી છે. કાશ્મીરની આઝાદી માટે માગણી કરનાર કોંગ્રેસ નેતા સલમાન નિઝામી કહે છે કે, દરેક ઘરમાં અફઝલ જન્મશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer