ગ્રાહક ફોરમ ફરિયાદીને વધુ વળતર અપાવી શકે?

નવી દિલ્હી, તા. 12 : શંભુ દયાલ પોતાની બે ભેંસોની સારવાર માટે દિલ્હીની સરકારી વેટરનરી હૉસ્પિટલમાં ગયા હતા. 31 ડિસેમ્બર 2003ના આ હૉસ્પિટલમાં ભેંસોને ઇન્જેક્શન અને કેટલીક દવાઓ આપવામાં આવી હતી. હૉસ્પિટલે આ જ માંદગીથી બચવા અન્ય ભેંસોને પણ આ ઇન્જેક્શન આપવાની સલાહ આપી હતી. જોકે બે દિવસ પછી તમામ 19 ભેંસોની તબિયત લથડી ગઈ હતી અને 5 જાન્યુઆરી 2004ના તમામ ભેંસો મૃત્યુ પામી હતી.
શંભુએ દિલ્હી ડિસ્ટ્રિકટ ફોરમમાં ફરિયાદ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તે છેલ્લાં 45 વર્ષથી પોતાની ડેરી ચલાવે છે અને તેણે પોતાની ભેંસોની સારી સંભાળ રાખી હતી.
આ સારવારનો રૂપિયા 25,000નો ખર્ચ થયો હોવાનું જણાવીને શંભુએ 19 ભેંસોની કિંમત માટે રૂપિયા 4.75 લાખનું, સારવાર માટે રૂપિયા 25,000નું, એક વર્ષની આવક ગુમાવવા માટે રૂપિયા 2.4 લાખનું અને માનસિક ત્રાસ માટે રૂપિયા 2 લાખનું એમ કુલ રૂપિયા 9.4 લાખનું વળતર માગ્યું હતું. તેણે આ રકમ પર વ્યાજની પણ માગણી કરી હતી.
હૉસ્પિટલે સારવાર માટે કોઈ ચાર્જ લીધાનો એમ કહીને ઇનકાર કર્યો હતો કે પશુપાલન વિભાગ મફત સેવા આપે છે. હૉસ્પિટલે યોગ્ય સારવાર આપી હોવાનો અને કોઈ બેદરકારી નહીં દાખવી હોવાનો દાવો કર્યો હતો. જોકે ફોરમે સેવામાં ખામી હોવાનું જણાવીને રૂપિયા પાંચ લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો.
જોકે હૉસ્પિટલ અને એનિમલ હસબંડરી ડિપાર્ટમેન્ટે આ હુકમની સામે અપીલ કરી હતી. જોકે શંભુએ કોઈ અપીલ કરી નહોતી પરંતુ સ્ટેટ કમિશને પુરાવાઓ માન્ય રાખીને વળતર વધારીને રૂા. 9.4 લાખ કરી દીધું હતું અને 26 ફેબ્રુઆરી 2004થી 18 ટકા વ્યાજ આપવાનો પણ આદેશ આપ્યો હતો. આ હુકમનું 60 દિવસમાં પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અન્યથા વાર્ષિક 24 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું પણ જણાવવામાં આવ્યું હતું. જોકે નેશનલ કમિશને પણ વળતર વધારવાના આ હુકમને વાજબી ગણાવ્યો હતો. જોકે તેણે વ્યાજનો દર 18 ટકામાંથી ઘટાડીને 9 ટકા કર્યો હતો.
આના પરથી એવો નિષ્કર્ષ નીકળ્યો હતો કે ગ્રાહક ફોરમ ફરિયાદીએ માગેલા વળતર કરતાં પણ વધુ વળતર અપાવી શકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer