ગુજરાતની ચૂંટણી : બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ તા-12: બીજા તબક્કાની ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજે પાંચ વાગે શાંત થયા છે. રાજ્યના 14 જિલ્લામાં 93 બેઠકો માટે 14 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. અહીં કુલ 93 બેઠકો માટે કુલ 851ઉમેદવારો  મેદાનમાં છે.
રાજ્યના બીજા તબક્કામાં કુલ 22,296, 867 મતદારો છે. તેઓ તેમના મતનો ઉપયોગ કરીને 851 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કરશે. આ બીજા તબક્કામાં  મહેસાણા બેઠક પર નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલ,ધોળકા બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,રાધનપુર બેઠક પર કૉંગ્રેસના અલ્પેશ ઠાકોર,અને વાવ બેઠક પર દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણી, ઉપરાંત રજની પટેલ-બેચરાજી બેઠક, નારણ લલ્લુભાઇ પટેલ ઊંઝા, જય નારાયણભાઇ વ્યાસ-સિદ્ધપુર, કૌશિક પટેલ નારણપુરા અમદાવાદ, પ્રદીપસિંહ જાડેજા-વટવા, વલ્લભભાઇ કાકડિયા ઠક્કર બાપાનગર , અમદાવાદ, બાપુનગરમાં પૂર્વ મેયર કૉંગ્રેસના હિંમતસિંહ પટેલ, જેવા દિગ્ગજોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ જશે.
આ બીજા તબક્કામાં ખાસ કરીને વડા પ્રધાન અને રાહુલ  ગાંધીએ ચૂંટણી પ્રચારમાં કોઇ જ કચાશ રાખી નથી અને મોદી કરતાં પણ રાહુલની સભાઓ વધી ગઇ છે અને વડા પ્રધાને લગભગ 28 જેટલી સભાઅને રાહુલે લગભગ 45 જેટલી સભાઓ આ ચૂંટણી પ્રચારમાં સંબોધી છે અને સામસામે ગંભીર આક્ષેપબાજીઓ  પણ કરી છે.
પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કાના મતદાન માટે પણ ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં  આવ્યો છે. બીજા તબક્કામાં  કેટલાંક સંવેદનશીલ વિસ્તારો પણ આવેલા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer