જમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલન : પાંચ જવાનો લાપતા

કાશ્મીરને દેશ સાથે જોડતો રાજમાર્ગ બંધ કરાયો: મનાલીમાં સિઝનની પહેલી હિમવર્ષા: ઉત્તર ભારતમાં ટાઢોળું છવાયું
નવીદિલ્હી, તા.12: ઉત્તરભારતમાં વ્યાપક વરસાદ અને હિમવર્ષાથી તાપમાનનો પારો નીચે સરકી ગયો છે અને દેશનાં અન્ય ભાગોમાં પણ ઠંડીએ જોર પકડયું છે. જમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલનની બે ઘટનાઓ બની છે અને આમાં પાંચ જવાનો લાપતા બન્યા હોવાનું જાણવા મળે છે. બીજીબાજુ હિમાચલ પ્રદેશનાં પાટનગર શિમલામાં પણ આજે હિમવર્ષાથી પર્યટનસ્થળો ઉપર પ્રવાસીઓનો ધસારો વધવા લાગ્યો છે.
કાશ્મીરમાં બાંદીપરો જિલ્લાના નૌગામ સેક્ટરમાં હિમસ્ખલનમાં બે જવાન ગુમ થયા છે જ્યારે ગુરેઝ સેક્ટરમાં એક સૈન્ય ચોકી હિમસ્ખલનની ચપેટમાં આવી ગઈ હતી. ત્યાં પણ બેથી ત્રણ જવાન લાપતા હોવાનું કહેવાય છે. આ સૈનિકોને શોધવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ સતત ચાલતાં બરફનાં વરસાદથી તેમાં પણ બાધાઓ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે જ જાન્યુઆરીમાં ગુરેઝ સેક્ટરમાં આવી જ કુદરતી આફતમાં 1પ જવાનનાં મૃત્યુ થઈ ગયાં હતાં.
જમ્મુ-કાશ્મીરમાં સતત ચાલતી હિમવર્ષાનાં કારણે આજે બીજા દિવસે પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ રાખવાની ફરજ પડી હતી. કાશ્મીરને દેશનાં અન્ય ભાગો સાથે જોડતો એકમાત્ર 300 કિ.મી.નો રાજમાર્ગ બંધ કરી દેવાયો છે. જવાહર ટનલમાં પણ બંને બાજુ હિમપાતનાં કારણે બરફના ગંજ ખડકાઈ ગયા છે અને સાવચેતીનાં ભાગરૂપે ત્યાંથી પણ અવરજવર બંધ છે.
બીજીબાજુ મનાલી અને શિમલામાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. અહીં આસપાસનાં વિસ્તારોમાં હળવી હિમવાછટોથી આખો નજારો નયનરમ્ય બન્યો છે અને પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. કાશ્મીરની હિમવર્ષાને પગલે દિલ્હી અને રાજસ્થાનમાં બર્ફીલો પવન તાપમાનને ગગડાવવા લાગ્યો છે અને હવે દેશના અન્ય ભાગોમાં શિયાળો વેગવાન બનશે તેવું  જણાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer