યુવતીની છેડતીના કેસમાં જૈન સાધુ મનોહરમુનિને બે વર્ષની કેદની સજા

યુવતીની છેડતીના કેસમાં જૈન સાધુ મનોહરમુનિને બે વર્ષની કેદની સજા
નીતિન મણિયાર તરફથી

મુંબઈ, તા. 12 : જૈન સાધુ મનોહરમુનિ મ.સા.ને 2012માં યુવતીની છેડતીના કેસમાં મુલુન્ડની કોર્ટે બે વર્ષની સજા તથા 50 હજાર રૂપિયાનો દંડ ફટકારતા જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટે તેમને 15 હજાર રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા અને 30 દિવસમાં ઉપલી કોર્ટમાં અપીલમાં જવાની મંજૂરી આપી હતી.

6 એપ્રિલ 2012 સાંજે મુલુંડ વેસ્ટમાં સેવારામ લાલવાની રોડ પર આવેલા શ્રી મુલુંડ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ (ઉપાશ્રય)માં મનોહરમુનિ ટૂંકા ગાળા માટે આવ્યા હતા ત્યારે એક પરિવાર તેમની દીકરીને ડિપ્રેશનની તકલીફ માટે ક્રિયા કરાવવા મુનિ પાસે લઈ આવ્યો હતો. મનોહરમુનિ તે છોકરીને ક્રિયા કરવા એક બંધ રૂમમાં લઈ ગયા હતા ને ક્રિયા કરવાના બહાને વિનયભંગ કરતાં છોકરીએ બૂમાબૂમ કરતાં તેનો પરિવાર તરત એ રૂમનો દરવાજો ખોલાવી ત્યાં પહોંચ્યો હતો. છોકરીએ બનાવની વાત કરતાં જ તેના પરિવારજનોમાં આક્રોશ મચ્યો હતો. ઉપાશ્રયમાં ધાંધલ મચી ગઈ હતી ને ટૂંક સમયમાં આ સમાચાર મુલુંડ સહિત સમગ્ર મુંબઈમાં પ્રસરી ગયા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મનોહરમુનિની અટક કરી કલમ 354, 323, 506 હેઠળ ગુનો નોંધ્યો હતો અને 7 એપ્રિલે મુલુંડ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

આ પાંચ વર્ષમાં આ કેસમાં ઘણી તારીખો પડી હતી. મનોહરમુનિ કારમાં પ્રવાસ કરીને આવતા હતા. આજે એ જ મુલુંડ કોર્ટમાં ન્યાયાધીશ એ. એ. ગનીવાલાએ મનોહરમુનિને 2 વર્ષની સજા અને રૂપિયા 50,000/- દંડની સજા ફટકારતા જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે.  ત્યારબાદ મનોહરમુનિના વકીલે કોર્ટમાં જામીન અને ઉપલી કોર્ટમાં અરજી કરવાની દાદ ચાહતા કોર્ટે રૂપિયા 15,000/-ના જામીન પર 30 દિવસ માટે મનોહરમુનિને મુક્ત કર્યા છે, એમ ફરિયાદ પક્ષના વકીલ ઉષા અંડેવારએ `જન્મભૂમિ'ને જણાવ્યું હતું.

જામીન પર છૂટયા પછી મનોહરમુનિ સફેદ રંગની એમએચ02 ડીઝેડ 2003 કારમાં ગયા. ગોંડલ સંપ્રદાય સંરક્ષક સમિતિની મિટિંગ બોલાવી આ વિશે વિચારણા કરશે તથા આગળની કાયદાકીય કાર્યવાહી માટે માર્ગદર્શન મેળવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer