મંગલદાસ માર્કેટને ફેરિયાઓએ રીતસરની ઘેરી લીધી છે!

મંગલદાસ માર્કેટને ફેરિયાઓએ રીતસરની ઘેરી લીધી છે!
કિચન ગાર્ડન લેનમાં અસહ્ય ગંદકી અને વનવે હોવા છતાં ડબલ લાઇન પાર્કિંગથી બિઝનેસ ઠપ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.12 : પ્રિન્સેસ સ્ટ્રીટમાં ફેરિયાઓનો સૌથી વધુ ત્રાસ મંગલદાસ માર્કેટના પૂર્વ તરફના કાપડ અને કપડાના વેપારીઓ ભોગવે છે. લોહાર ચાલની ગલીની ઇલેક્ટ્રીક માર્કેટના વેપારીઓ  અને મંગલદાસ માર્કેટની ઉત્તરે આવેલા જામા મસ્જિદ રોડ પરના વેપારીઓની જેમ જ વચ્ચેની કિચન ગાર્ડન લેન કે ત્રિકમદાસ ઘીયા લેનમાં મંગલદાસ માર્કેટનો પૂર્વ તરફનો દરવાજો છે. કિચન ગાર્ડન લેનમાં મંગલદાસ માર્કેટની 30 જેટલી દુકાનો સુધી પહોંચવાનો રસ્તો જ નથી બચ્યો, કેમ કે ફેરિયાઓનાં વાહનો પાર્ક થાય છે. 
આ ગલી વનવે જાહેર કરાયેલી છે અર્થાત ક્રાફર્ડ માર્કેટ તરફથી પ્રિન્સેસ સ્ટ્રીટ તરફ વાહનો જઇ શકે છે પરંતુ આ લેન પાર્કિંગ લેન બની ગઇ છે. ક્રાફર્ડ માર્કેટ તરફથી વાહનો પ્રવેશી જ શકે એમ નથી, કિચન ગાર્ડન લેન સાંકડી ગલી છે અને બંને તરફ દાદાગીરીથી ડબલ લાઇન પાર્કિંગ થતું હોવાથી દુકાનોમાં જવાનો માર્ગ જ નથી બચ્યો. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે ડબલ પાર્કિંગમાં મોટા ભાગના સ્કૂટરો અને બાઇક્સ ફેરિયાઓના  છે અને ફેરિયાઓનો વધારાનો સામાન પણ આ ગલીમાં જ રાખવામાં આવે છે. જૂની બિલ્ડિંગો ધરાવતી આ ગલીમાં હાઉસ ગલીઓની ગંદકી અસહ્ય છે અને ગટરો ઉભરાઇ રહી છે જે મચ્છર ઉછેર કેન્દ્રો જ છે. ગલીમાં ભેળપૂરી અને વડા પાઉવાળા પ્લાસ્ટિકના ટેબલો રાખે છે અને ગ્રાહકોને રોડ પર જ સર્વિસ આપે છે.
એક વેપારીના જણાવ્યા પ્રમાણે બે પેઢીનો ધંધો છે એટલે દુકાન સંભાળીને બેઠા છીએ, વેપાર માત્ર નામ પૂરતો છે. અમારા સંતાનો અન્ય બિઝનેસ કે નોકરી કરે છે, તેમને હવે કાપડના બિઝનેસમાં રસ નથી રહ્યો તેનું મોટું કારણ આ ફેરિયાઓનો ત્રાસ છે. અવાર-નવાર ફરિયાદો કરી છે અને નો-પાર્કિંગ લેન હોવા છતાં આ લેન પાર્કિંગ સ્પેશિયલ બની ગઇ છે અને તેમાં અમારા જ વાહનો પાર્ક નથી કરી શકાતા. જોકે પોલીસ કે પાલિકાએ ક્યારેય આ ગલીમાં ગેરકાયદે પrિર્કંગ સામે કાર્યવાહી કરી નથી. અમારી દુકાનોની સામે જ ગંદકી અસહ્ય છે તેથી ગ્રાહકો આવતા જ નથી. સાંજે અમે દુકાન વધાવીને ગયા બાદ ફેરિયાઓ પોતાની લારીઓ અમારી દુકાન આડે જ રાખીને ઘરે જાય છે અને બીજા દિવસે સવારે ફરીથી તેમનાં વાહનો પાર્ક કરીને પોતાનો સામાન લઇ જાય છે. અમે દુકાન ખોલીએ ત્યારે દરવાજા સુધી પહોંચવા માટે તેમનાં વાહનો પરથી જવું પડે છે. ક્યારેક પોલીસ કે પાલિકા ફેરિયાઓ સામે કાર્યવાહી માટે આવે તેની અગાઉથી જાણ થઇ જાય એટલે અમારી આ લેન બ્લોક થઇ જાય છે. બધા ફેરિયા પોતાના સામાન અને લારી ગલ્લા ઉપાડીને તેમનાં વાહનો પર લાદી દે છે.
વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ લેનમાં ફેરિયાઓ પણ એટલા જ છે, જે જામા મસ્જિદવાળી ગલીના ફેરિયાઓનાં વાહનો પર જ પોતાનો સામાન ગોઠવીને ધંધો કરે છે અને અમારે બેવડો ત્રાસ સહન કરવો પડે છે. અમારો બિઝનેસ અડધો પણ નથી બચ્યો.      

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer