કૉંગ્રેસતરફી માહોલથી ભાજપ ગભરાટમાં

કૉંગ્રેસતરફી માહોલથી ભાજપ ગભરાટમાં
રાહુલ ગાંધીએ કર્યો જીતનો દાવો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.12 : ગુજરાતમાં આજે બીજા તબક્કાના ચૂંટણીપ્રચારના અંતિમ દિવસે કૉંગ્રેસ અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કૉંગ્રેસની જીતનો દાવો કરતાં સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ કૉંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને પહેલા તબક્કાના મતદાનમાં વોટિંગ પછી પાર્ટીની જીત સુનિશ્ચિત થઇ ગઇ છે. પહેલા તબક્કાની 89 બેઠકોમાંથી 55 બેઠકો કૉંગ્રેસને મળશે. તેમણે એમ પણ કહ્યુ ંકે, કૉંગ્રેસનો જબરજસ્ત અંડર કરંટ છે, જેને લીધે ભાજપ ગભરાઇ ગઇ છે. 

અમદાવાદમાં રાહુલ ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી પહેલી પત્રકાર પરિષદ યોજી ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, મોદીજીનાં ભાષણોમાંથી ભ્રષ્ટાચાર,  અમિત શાહના પુત્ર જય શાહ અને રાફેલ ડીલ કરપ્શન જેવા મુદ્દા ગાયબ થઇ ગયા છે, તેઓ ગુજરાતના વિકાસને પણ ભૂલી ગયા છે અને માત્ર પોતાની જ વાત કરે છે.

ચૂંટણીપ્રચાર દરમિયાન  મંદિરોમાં જવા પર થયેલા વિવાદ સંદર્ભે  પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યુ ંહતું કે, ગુજરાતમાં મેં યાત્રા દરમિયાન જેટલાં પણ મંદિરોમાં ગયો છું ત્યાં મે ગુજરાતની જનતાના ઉજ્જળળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી છે.  અહીના પ્રદેશના ખેડૂતો, યુવાઓને સારું ભવિષ્ય પ્રાપ્ત થાય.  અહીં નોંધવું ઘટે કે વડા પ્રધાન મોદીએ રાહુલ ગાંધીના મંદિર જવાનો મુદ્દો ચૂંટણીપ્રચાર દરમિયાન ઉઠાવ્યો હતો. આ સામે રાહુલ ગાંધીએ સામો પ્રશ્ન કર્યો હતો કે, શું મંદિરમાં જવાની મનાઇ છે? તેમણે એમ પણ કહ્યું કે, હું મંદિરોમાં નથી જતો એ  ભાજપની સ્ટોરી છે. આ અગાઉ પણ હું ઉત્તરાખંડમાં કેદારનાથ ગયો હતો. મંદિરોમાં જવાથી મને સારું લાગ્યું . 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer