ક્રૂડ અૉઇલના ભાવ વધતાં બજારો લપસ્યાં

સેન્સેક્ષ 228 પૉઈન્ટ તૂટયો અને નિફ્ટી 10250ની નીચે
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : ક્રૂડ અૉઈલના વૈશ્વિક ભાવ વધવાની ધારણા અને તેને પગલે ફુગાવો વધવાની તેમ જ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદર અંગે લેવાનારા નિર્ણય પર તેની અસર પડવાની અટકળો વચ્ચે શૅરબજારોના સૂચકાંકો મંગળવારે તૂટયા હતા. સતત ત્રણ ટ્રેડિંગ સેશનથી તેજીતરફી રહેલો બીએસઈ સેન્સેક્ષ લગભગ 228 પૉઈન્ટ તૂટીને 33277.99 તેમ જ નિફ્ટી 82 પૉઈન્ટ તૂટીને 10240ની સપાટીએ પહોંચ્યો હતો. રિઝર્વ બૅન્ક ફુગાવો અને આઈઆઈપીના ડેટા જાહેર કરવાની હોવાને કારણે પણ બજારના ખેલાડીઓએ સાવચેતીપૂર્વક કામકાજ કર્યાં હતાં. મંગળવારે યોજાનારી અમેરિકાની ફેડરલ રિઝર્વ પોલિસી અંગેની બેઠક બાબતે પણ બજાર સાવધાન રહ્યું હતું. રિયલ્ટી, પાવર અને બૅન્કિંગ ક્ષેત્રના શેર્સમાં નવી વેચવાલી જોવા મળી હતી.
તમામ ક્ષેત્રવાર સૂચકાંકો ઘટયા
બીએસઈ ખાતે તમામ ક્ષેત્રોનાં સૂચકાંકોમાં નકારાત્મક વલણ નોંધાયું હતું. રિયલ્ટી ઈન્ડેક્સમાં 1.62 ટકાનો સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. પાવર સેક્ટરનો સૂચકાંક 1.24 ટકા, એફએમસીજી 1.03 ટકા અને બૅન્કિંગ ક્ષેત્રનો સૂચકાંક 1.02 ટકા તૂટયો હતો. નિફ્ટી ખાતે ક્ષેત્રવાર સૂચકાંકોમાં પણ સમાન વલણ નોંધાયું હતું. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 1.56 ટકા, એફએમસીજી 1.33 ટકા અને પ્રાયવેટ બૅન્ક ઈન્ડેક્સ 1.22 ટકા ઘટયો હતો. 
નિફ્ટીમાં સૌથી વધુ વધ્યા-ઘટયા
નિફ્ટી 50 ઈન્ડેક્સમાં ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝના શૅરમાં આશરે 3 ટકા જેટલો સૌથી વધુ વધારો નોંધાયો હતો. તે પછી ઓએનજીસી, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, ગેઇલ (ઈન્ડિયા) તેમ જ લુપિનના શૅરના ભાવ સૌથી વધુ ઉંચકાયા હતા. સૌથી વધુ ઘટેલા શૅર્સમાં એચપીસીએલ (ચાર ટકા), ભારતી ઈન્ફ્રાટેલ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, યુપીએલ, આઇશર મોટર્સ, હીરો મોટોકોર્પ અને ઈન્ડિયન અૉઈલના શૅર્સ સામેલ હતા, જેના ભાવ 2 ટકાથી વધુ ઘટયા હતા. નિફ્ટી50 ઈન્ડેક્સમાં પાછલા બંધ સામે 12 શૅર્સ ઊંચા ભાવે જ્યારે 38 શૅર્સ ઘટેલા ભાવે બંધ નોંધાયા હતા.
ઘટાડાનાં પરિબળો
બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડના સીનિયર ફંડ મેનેજર કાર્તિકરાય લક્ષ્મણનના જણાવ્યા મુજબ પાછલા ત્રણ સેશન્સથી ઊંચે ચઢતા ભારતીય બજારોમાં ઘટાડા અને નકારાત્મક વલણ માટે એશિયાનાં અન્ય બજારોમાં અને યુરોપનાં શૅરબજારોમાં નબળો માહોલ જવાબદાર હતો. 
80થી વધુ શૅર્સ બાવન સપ્તાહની નવી ટોચે
એનએસઈ ખાતે લગભગ 85 શૅર્સમાં બાવન સપ્તાહની નવી ટોચ જોવા મળી હતી. આ શૅર્સમાં એજિસ લોજિસ્ટિક્સ, બાલાજી એમાઈન્સ, ગ્રીનલામ ઈન્ડસ્ટ્રીઝ અને હિન્દુજા વેન્ચર્સ સામેલ હતા. આ ઉપરાંત લુમેક્સ ઓટો ટેકનોલોજીસ, લક્સ ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી ઈન્ડિયા, યુનાઈટેડ સ્પિરિટ્સ, મધરસન સુમિ સિસ્ટમ્સ, પીસી જ્વેલર, પ્રોવોગ (ઈન્ડિયા), રામ્કો સિસ્ટમ્સ, ટીવીએસ મોટર અને ઝેન ટેકનોલોજીસના શૅરના ભાવ પણ બાવન સપ્તાહની નવી ટોચે નોંધાયા હતા.
15 શૅર્સમાં બાવન સપ્તાહનું નવું તળિયું
એનએસઈ ખાતે ભારતી ડિફેન્સ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિલિજેન્ટ મીડિયા કોર્પોરેશન, લાયકોસ ઈન્ટરનેટ, સ્ટીલ એક્સચેન્જ ઈન્ડિયા અને ટીવી વિઝન સહિત 15 શૅર્સમાં બાવન સપ્તાહનું નવું તળિયું જોવા મળ્યું હતું. 
આ શૅર્સ નવ ટકા તૂટયા
ઓસમ એન્ટરપ્રાઈસ, ડબલ્યુ એસ ઈન્ડસ્ટ્રીઝ, ધ મોટર એન્ડ જનરલ ફાયનાન્સ, ક્રોમેટિક ઈન્ડિયા, રેપ્રો ઈન્ડિયા, સેલેબ્રિટી ફેશન અને એમ્કોના શૅર્સ બીએસઈ ખાતે નવ ટકા તૂટયા હતા.
ઓઈલ માર્કેટિંગ કંપનીના શૅર્સ તૂટયા
બ્રેન્ટ ક્રૂડના ભાવ બે વર્ષની ટોચે પહોંચવાને પગલે શૅરબજારોમાં અૉઈલ માર્કેટિંગ કંપનીઓના શૅર્સના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. એચપીસીએલ, બીપીસીએલ અને ઈન્ડિયન અૉઈલ કોર્પોરેશનના શૅર્સ 2.10થી 2.90 ટકા ઘટયા. 
નિષ્ણાતના મતે
મોતીલાલ ઓસ્વાલના ટેકનિકલ અને ડેરિવેટિવ્સ એનાલિસ્ટ ચંદન તાપરિયાના જણાવ્યા મુજબ નિફ્ટી 10178ની સપાટીએ તાત્કાલિક સપોર્ટ મેળવશે, જ્યારે 10330ની સપાટીએથી તેને આગળ વધવું અઘરું હશે. જો નિફ્ટી આ ઝોનમાંથી આગળ વધી જાય તો આગામી સેશન્સમાં 10409ની સપાટી પાર કરશે તેવી ધારણા છે. ઓપ્શનની વાત કરીએ તો, મહત્તમ પુટ ઓપન 10,000 અને 9,800 સ્ટ્રાઈક, જ્યારે મહત્તમ કોલ ઓપ્શન 10,500 અને 10,400 સ્ટ્રાઈક છે. 10,000 સ્ટ્રાઈક પર બજારમાં નવા પુટ નોંધાયા હતા, જ્યારે કોલ 10,300થી 10,700 વચ્ચે જોવા મળ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer