મોહાલીમાં શ્રેણી જીવંત રાખવા ટીમ ઇન્ડિયા મેદાને પડશે

મોહાલીમાં શ્રેણી જીવંત રાખવા ટીમ ઇન્ડિયા મેદાને પડશે
શ્રીલંકાને ભારતમાં પહેલી શ્રેણી જીતની તક: ભારતીય ઇલેવનમાં રહાણેની વાપસી થશે
મોહાલી તા.12: પહેલા વન ડેમાં ધર્મશાલાની ઉછાળવાળી વિકેટ પર 112 રને ડૂલ થયા બાદ શરમજનક હાર સહન કરનાર કેપ્ટન વિરાટ કોહલી વિનાની ભારતીય ક્રિકેટ ટીમ શ્રેણીમાં ટકી રહેવા માટે આવતીકાલે બીજા વન ડેમાં શ્રીલંકા વિરૂધ્ધ કરો યા મરો મુકાબલા માટે મેદાન પર ઉતરશે. ત્યારે રોહિત શર્માના સુકાનીપદ હેઠળની ટીમ ઇન્ડિયાનો ઇરાદો પહેલા વન ડેની હારનો હિસાબ ચૂકતે કરીને શ્રેણી 1-1થી જીવંત રાખવાનો રહેશે. પૂર સત્રમાં ઘરેલુ મેદાન પર દબદબો બનાવી રાખનાર ટીમ ઇન્ડિયા ધર્મશાલામાં શ્રીલંકાની બોલિંગ સામે નતમસ્તક થઇ ગઇ હતી. ભારતીય બેટધરોની ઉછાળવાળી  પિચ પર નબળાઇ સામે આવી ગઇ હતી. 
શ્રીલંકા પાસે પણ ઇતિહાસ રચવાનો સોનેરી મોકો છે. બીજો વન ડે જીતીને ભારતની ધરતી પર પહેલી વન ડે શ્રેણી જીતવાનો લંકાની ટીમ પાસે મોકો છે. જો કે ભારતીય ટીમે ગયા મહિને ન્યુઝીલેન્ડ સામે પહેલો વન ડે હાર્યાં બાદ બાકીના બે મેચ જીતીને શ્રેણી કબજે કરી હતી. આથી શ્રીલંકા માટે કસોટી રહેશે.
ચંદિગઢમાં ધર્મશાલા જેવી ઠંડી અને પવન નથી,જો કે અહીં પણ ઘાસવાળી પિચ હશે અને ઝડપી બોલરોને મદદ મળશે. આ ડે-નાઇટ વન ડે મેચ 11-30થી શરૂ થશે. આથી ઝડપી બોલરોની ભૂમિકા મહત્વની બની જશે. પહેલા બેટિંગ કરનાર ટીમ માટે ચુનૌતિ બની રહેશે. પહેલા વન ડેમાં અનુભવી ધોની સિવાય અન્ય કોઇ ભારતીય બોલર લકમલ એન્ડ કું. સામે ટકી શકયા ન હતા.ધર્મશાલામાં ભારતની અરધી ટીમ 16 રનમાં તંબુ ભેગી થઇ ગઇ હતી. સુકાની રોહિતે ધર્મશાલાની હાર બાદ વચન આપ્યું છે કે બાકીના બે વન ડેમાં શાનદાર વાપસી કરશે. અમે આ હારમાંથી સબક લીધો છે. 
આવતીકાલના બીજા વન ડેમાં ભારતીય ટીમમાં અનુભવી બેટધર અંજિકયા રહાણેને તકની પૂરી સંભાવના છે. બોલિંગમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનું ખરાબ ફોર્મ ચિંતાનું કારણ છે. શ્રીલંકાએ માત્ર 20.4 ઓવરમાં જીત મેળવી હતી. એટલે સ્પિન જોડી ચહલ-કુલદિપને બોલિંગનો મોકો મળ્યો ન હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer