કમલા મિલ્સની કરુણાંતિકાની સીબીઆઈ દ્વારા તપાસ માટે વીખે-પાટીલ હાઈ કોર્ટનો આશરો લેશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ગત 29મી ડિસેમ્બરે 14 જણનો ભોગ લેનારી આગની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાનો આદેશ આપવાની વિનંતી કરતી જનહિતની અરજી કૉંગ્રેસના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વીખે-પાટીલ આવતા સપ્તાહે મુંબઈ વડી અદાલતમાં નોધાવશે.
વીખે-પાટીલે આજે પત્રકારોને જણાવ્યું હતું કે કૉંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ વિદ્યાસાગર રાવને મળીને મુંબઈપાલિકાના આયુક્ત અજૉય મહેતાને સસ્પેન્ડ કરવાની વિનંતી કરશે. આગની તપાસ કરવાની જવાબદારી મહેતાને સોંપવાની બાબત વિચારધારાનું દેવાળુ દર્શાવે છે. પાલિકામાંના ભ્રષ્ટાચારને કારણે જ આગ લાગી હોવાના પ્રકરણની તપાસ મહેતા કેવી રીતે કરી શકે? પાલિકામાંનો ભ્રષ્ટાચાર એ સરકારની નિક્રિયતા અને મહેતાની બિનકાર્યક્ષમતા દર્શાવે છે. મહેતા વિરુદ્ધ આઇપીસીની કલમ 302 (હત્યા માટેની સજા) હેઠળ ખટલો માંડવામાં આવવો જોઇએ. મહેતાએ જાહેરમાં કહ્યું છે કે રાજકીય નેતાએ તેમને ફોન કરીને આગ પછી ગેરકાનૂની બાંધકામ તોડવા દબાણ લાવ્યા હતા. જોકે તેમણે હજી નામ આપ્યું નથી તેનો અર્થ એવો થાય છે કે તેઓ ભ્રષ્ટાચારને જાજમની નીચે ધકેલીને સંતાડવા માગે છે. જો તેઓ રાજકારણીનું નામ બહાર પાડે નહીં તો તેમના કોલ રેકોર્ડસ તપાસવામાં આવવા જોઇએ. મહેતા દબાણ સામે ઝૂકે છે અને કાયદા વિરુદ્ધ નિર્ણય લે છે. તે બાબત તેમને સસ્પેન્ડ કરવા માટે પૂરતી છે.
સાકીનાકામાં ફરસાણ બનાવવાના કારખાનામાં લાગેલી આગ ઘાટકોપર અને ભીંડીબજારમાં મકાન હોનારત અને કાંજુર માર્ગમા સીનેવિસ્ટા સ્ટુડિયોમાં લાગેલી આગ જેવી બધી ઘટનાની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઇએ. ઘાટકોપરમાં મકાન હોનારતમાં 17 જણનાં મૃત્યુ અને સાકીનાકામાં ફરસાણની દુકાનમાં આગમાં બાર જણાંના મરણ પછી પાલિકાના અધિકારીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવ્યા નથી. ભીમા-કોરેગાવની ઘટનામાં ગૃહખાતાની બિનકાર્યક્ષમતા સપાટી ઉપર આવી છે એમ વીખે-પાટીલે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer