નેવીને એક ઇંચ જમીન નહીં આપું, એવું કહેનારા ગડકરી માફી માગે : કૉંગ્રેસ

મુંબઈ, તા.12 (પીટીઆઇ) : દક્ષિણ મુંબઈમાં `નૌકાદળના અધિકારીઓ માટે એક ઇંચ જમીન પણ નહીં મળે' એવું વિધાન કરીને કેન્દ્રના પરિવહન અને બંદર વિકાસ પ્રધાન નીતિન ગડકરીએ ભારતીય નૌકાદળનું અપમાન કર્યું છે, આ માટે ગડકરી માફી માગે, એવી માગણી મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસે કરી છે. 
પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું હતું કે મુંબઈમાં નૌકાદળના અધિકારીઓને એક ઇંચ પણ જમીન નહીં આપું અને તેમને પાકિસ્તાન બૉર્ડરે જવાનું કહીને ગડકરીએ નૌકાદળનું અપમાન કર્યું છે. કૉંગ્રેસ ગડકરીના આ વિધાનની નિંદા કરે છે અને તેઓ આ સંબંધે માફી માગે એવી માગણી કરીએ છીએ. 
ગુરુવારે મુંબઈના એક કાર્યક્રમમાં વેસ્ટર્ન નેવેલ કમાન્ડરની હાજરીમાં જ ગડકરીએ કહ્યું હતું કે નેવીના તમામ અધિકારીઓને દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તારમાં રહેવાની શું જરૂર છે? દક્ષિણ મુંબઈમાં ફ્લેટ્સ કે ક્વાર્ટર્સ બનાવવા માટે નેવીને એક ઇંચ પણ જમીન નહીં મળે. નેવીની જરૂર તો આતંકવાદીઓ ઘૂસણખોરી કરે છે એવા બૉર્ડર વિસ્તારમાં હોવાથી ત્યાં રહેવા જવું જોઇએ. 
સાવંતે કહ્યું હતું કે ગડકરી મુંબઈના દરિયામાં તરતી હૉટેલનો પ્રૉજેક્ટને પ્રોત્સાહન આપવા માગે છે, જે મુંબઈ માટે જોખમી નિવડી શકે છે. આ પ્રકરણે ગડકરી સામે તપાસ થવી જોઇએ. ભાજપના નેતાઓની દેશભક્તિ માત્ર દેખાડો છે, માતબર ખાનગી કંપનીઓએ દેશભક્તિના નિયમોનું પાલન ન કરવાનું હોય એવું ભાજપ માને છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer