ન્યાયતંત્રનો મોભો જાળવવો જોઈએ : બૉમ્બે હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજોનું નિવેદન

મુંબઈ, તા. 12 (પીટીઆઈ) : સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયાધીશોએ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે મોરચો ખોલતા બૉમ્બે હાઈ કોર્ટના જજેએ આજે અત્રે જણાવ્યું હતું કે આવા કપરા સમયમાં ન્યાયતંત્રનું ગૌરવ જાળવવું જોઈએ.
આજે જસ્ટિસ જે. ચલમેશ્વરની આગેવાની હેઠળ ચાર ન્યાયાધીશોએ સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યું એ એક અસાધારણ પગલું હતું અને તેનાથી ન્યાયતંત્ર સ્તબ્ધ થઈ ગયું છે.
આ બનાવ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા બૉમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ મંજુલા ચેલ્લુરે જણાવ્યું હતું કે પોતાના દાવાઓ સાથે આ ચાર જજને જાહેરમાં બળાપો કાઢવો પડયો એ માટે જરૂર તેમની પાસે કોઈ કારણ હશે. આવી પરિસ્થિતિ મુશ્કેલીભરી હોય છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ કોઈ વ્યક્તિનો સવાલ નથી, પરંતુ સંપૂર્ણ રીતે એક સંસ્થાનો (ન્યાય તંત્રનો) સવાલ છે, એમ ચેલ્લુરે વધુમાં જણાવ્યું હતું.
`મને ખાતરી છે કે એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ અને કેન્દ્રના કાયદાપ્રધાન તથા સંબંધિત અન્ય વ્યક્તિઓ તમામ હકીકતોને ધ્યાનમાં લઈને કોઈ યોગ્ય નિર્ણય લેશે', એમ ચેલ્લુરે વધુમાં જણાવ્યું હતું.
હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ વી. જી. પલ્શીકરે સર્વોચ્ચ અદાલતના ટોચના ચાર જજોના આરોપોને અસાધારણ પગલું ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે તેમણે જાહેરમાં જવું જોઈતું નહોતું. અદાલતોના ઈતિહાસનો આ કાળો દિવસ છે. આવું થવું નહોતું જોઈતું.
હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ અનૂપ મોહતાએ જણાવ્યું હતું કે આ ચાર જજોએ ઈતિહાસ સર્જ્યો છે. આ તો જાણે `લાવારસ' બહાર આવી ગયો છે. અગાઉ આવું ક્યારે થયું નથી, એમ મોહતાએ વધુમાં જણાવ્યું હતું.
હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ પ્રમોદ કોડેએ જણાવ્યું હતું કે આ એક ગંભીર બાબત છે. મને એવી આશા છે કે ન્યાયતંત્રનો મોભો જાળવવાના તમામ યોગ્ય પગલાં ભરવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer