મોદીની કાનૂનપ્રધાન સાથે વાત : રાહુલે તાકીદની બેઠક બોલાવી

રાજકીય આલમમાં ઘેરા પડઘા
નવીદિલ્હી,તા.12: સુપ્રીમકોર્ટની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠાવતાં ચાર જજોનાં ગંભીર આક્ષેપોને પગલે સમગ્ર દેશ હચમચી ઉઠયો છે. જેમાં રાજકીય આલમમાં પણ તેનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે તાત્કાલિક કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. બીજીબાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પક્ષનાં વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજીને સરકારને આ મુદ્દે ઘેરવા માટે રણનીતિ ઉપર ચર્ચા કરી હતી. જો કે હજી સુધી કોઈપણ પક્ષ તરફથી સ્પષ્ટ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
સૂત્રોનાં હવાલેથી મળતાં અહેવાલો અનુસાર સરકાર આ બાબતને ન્યાયતંત્રની આંતરિક બાબત ગણાવે છે અને તેમાં સરકારની કોઈ ભૂમિકા બનતી ન હોવાનું કહે છે. જો કે સર્વોચ્ચ અદાલત આ વિવાદ લોકોનો ભરોસો ટકાવી રાખવા વહેલીતકે ઉકેલાય તે જરૂરી ગણાવ્યું હતું. ભાજપનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે ચાર જજોએ વ્યક્ત કરેલી પીડામાં ગંભીર મુદ્દા ઉઠાવાયા છે. આ ઉપરાંત સ્વામીએ આ બાબતે વડાપ્રધાનનાં હસ્તક્ષેપની માગ પણ કરી હતી. 
બીજીબાજુ રાહુલ ગાંધીએ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદ, મનીષ તિવારી, કપિલ સિબલ, પી.ચિદમ્બરમ સાથે સાંજે બેઠક કરી હતી. જેમાં આ મુદ્દાની ગંભીરતા ધ્યાને રાખીને પક્ષનાં અભિગમની ચર્ચા થઈ હતી. આ પહેલા કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટમાં લોકશાહીને ખતરામાં ગણાવી હતી.
જ્યારે સીપીઆઈ નેતા ડી.રાજાએ આક્ષેપ કરનાર જજોમાંથી સૌથી સિનિયર જસ્ટીસ ચેલમેશ્વર સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે આ પગલું અસાધારણ છે. ન્યાયપાલિકાનું ઘેરું સંકટ દર્શાવી જાય છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ દૂ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે દેશનાં નાગરિકોને નિરાશા હાથ લાગી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer