ઇઝરાયલના વડા પ્રધાન અને મોદી 17મીએ અમદાવાદ આવશે

અમદાવાદ ઍરપોર્ટથી લઇને ગાંધી આશ્રમ સુધી નવ કિલોમીટરનો ભવ્ય રોડ શો યોજાશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ આગામી 17મી જાન્યુઆરીએ ગુજરાતના મહેમાન બનશે.બન્ને મહાનુભાવોની આગતા-સ્વાગતા તેમ જ સલામતીની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર, 17મીએ સવારે તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. અમદાવાદ એરપોર્ટથી લઇને ગાંધી આશ્રમ સુધી નવ કિલોમીટરના આ રૂટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુ સંયુક્ત રોડ શો કરશે. આ રોડ શો દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃત્તિના દર્શન કરાવતા વિવિધ 50 સ્ટેજ તૈયાર કરાવાયા છે. આ ઉપરાંત તામિલનાડું, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના જે લોકો ગુજરાતમાં રહે છે તેઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં પોતાના રાજ્યોની વિશષતા કલ્ચરને રજૂ કરશે. ઇઝરાયલના લોક નૃત્યો અને ગીતો પર અહીંના લોકો પરફોર્મ કરશે.  17મીએ બપોરે 1 વાગ્યે બન્ને વડા પ્રધાન બાવળા આઇ-ક્રિએટ સેન્ટર જશે જ્યાં ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બન્ને વડા પ્રધાનોનો ભોજન સમારંભ છે. બન્ને વડા પ્રધાનના ભોજનની તેમ જ પીવાના પાણીની સલામતી માટે પણ 40 સભ્યોની પાંચ ટીમો બનાવાઇ છે. 
બન્ને વડા પ્રધાન બપોર પછી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામે સ્થપાયેલા શાકભાજી સેન્ટર અૉફ એક્સલન્સની મુલાકાત લેશે.  લગભગ 10 હેકટરમાં પથરાયેલા આ નવા સ્થપાયેલા સેન્ટરમાં હાઇટેક નર્સરી વિકસાઇ છે. આવું જ એક બીજુ સેન્ટર ખારેકની ખેતી માટે કચ્છમાં ભુજ તાલુકાના કુકમા ગામે ઊભું થયું છે, જેનું ઉદ્ઘાટન પણ ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ રિમોટ કંટ્રોલથી કરશે. કચ્છમાં લીલી ખારેકનું વિપુલ ઉત્પાદન થઇ રહ્યું છે પરંતુ આ ખારેકને સૂકી ખારેકમાં કન્વર્ટ કરવાની ટેકનૉલૉજી આપણી પાસે નથી, ઇઝરાયલ પાસેથી ટેકનૉલૉજી મેળવવા માટે આ મુલાકાત સમયે કરાર કરવામાં આવશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer