ચીન સક્ષમ તો ભારત પણ નબળું નથી : જનરલ રાવત

નવી દિલ્હી, તા. 12 : ચીન ભારતીય સીમા પર દબાણ વધારી રહ્યું હોવાનું સ્વીકારતાં ભારતીય સૈન્ય વડા જનરલ બિપિન રાવતે આજે જણાવ્યું હતું કે, ચીન શક્તિશાળી છે, પરંતુ ભારત પણ કમજોર દેશ નથી. ભારત કોઇને પણ પોતાના ક્ષેત્રમાં ઘૂસણખોરીની છૂટ નહીં આપે. હવે સમય આવી ગયો છે કે, ભારત ઉત્તર સીમા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવું સૂચન રાવતે કર્યું હતું. લશ્કરીવડાએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત ચીનની આક્રમકતાનો સામનો કરવા સક્ષમ છે. અમે પાડોશી દેશોને દૂર જઇને ચીનની નજીક નહીં જવા દઇએ તેવી સ્પષ્ટ વાત તેમણે કરી હતી.
ડોકલામ મામલે જનરલ રાવતે જણાવ્યું હતું કે, અમે સીમા પર સતત નજર રાખી રહ્યા છીએ અને કોઇ પણ પ્રકારની હલચલ થઇ તો સેના જવાબ આપવા માટે સજ્જ છે.
આતંકવાદ સામે પગલાં અંગે અમેરિકા તરફથી પાકિસ્તાનને ચેતવણીના સંદર્ભમાં સેન્ય વડાએ જણાવ્યું હતું કે, ભારતે રાહ જોવી પડશે અને આ ચેતવણીની અસર જાણવી પડશે.
ખાસ કરીને જનરલે ભવિષ્યમાં યુદ્ધ લડવાની સ્થિતિ માટે તૈયાર રહેવા માટે આધુનિક હથિયારો તેમજ ટેકનોલોજી સેનાને ઉપલબ્ધ થાય તેના પર ભાર મૂક્યો હતો.
લશ્કરના વડા જનરલ બિપિન રાવતે ખાસ કરીને પાકિસ્તાની કે કોઇપણ વિદેશી આતંકવાદીઓ તરફથી રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ શત્રોના ઉપયોગનું જોખમ `વાસ્તવિકતા' બની ગયું છે તેમ કહ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer