પ્રિન્સેસ સ્ટ્રીટ બની ગઇ `પાર્કિંગ સ્ટ્રીટ''

પ્રિન્સેસ સ્ટ્રીટ બની ગઇ `પાર્કિંગ સ્ટ્રીટ''
શામળદાસ રોડ પર ફેરિયાઓ અને ટ્રાફિકની હાલાકી વચ્ચે નો-પાર્કિંગનાં બોર્ડ શોભાના ગાંઠિયા
ઇલેક્ટ્રિક મર્ચન્ટ ઍસોસિયેશન કહે છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.12 : પ્રિન્સેસ સ્ટ્રીટમાં ફેરિયાઓની દાદાગીરી ઉપરાંત તમામ સાંકડી લેનો ટ્રાફિક માટે એકમાર્ગીય હોવા છતાં તેની બંને તરફ બેફામપણે પાર્કિંગ થાય છે. કાલબાદેવી રોડ પરના પ્રિન્સેસ સ્ટ્રીટ સિગ્નલથી ઝવેરીબજાર સુધી શામળદાસ ગાંધી રોડ પર બારથી પંદર જગ્યાએ `નો-પાર્કિંગ'ના બૉર્ડ શોભાના ગાંઠિયા બની રહ્યાં છે. રોડ પર બંને તરફ આવાં બૉર્ડની નીચે જ ડબલ કે ટ્રિપલ લાઇન પાર્કિંગ જોવા મળે છે. પ્રિન્સેસ સ્ટ્રીટની લોહાર ચાલમાં ફેલાયેલી ઇલેક્ટ્રિક બજારના અગ્રણી વેપારીઓને પણ આ સમસ્યા સતાવી રહી છે. ઇલેક્ટ્રિક મર્ચન્ટ ઍસોસિયેશન (ઇમા)ના ઉપપ્રમુખ નીરેન ધારિયા તેમ જ પૂર્વપ્રમુખ ભાવિક પરીખે કહ્યું હતું કે પ્રિન્સેસ સ્ટ્રીટ હવે `પાર્કિંગ સ્ટ્રીટ' બની ગઇ છે. 
`જન્મભૂમિ'માં છેલ્લા એક મહિનાથી પ્રિન્સેસ સ્ટ્રીટની સમસ્યાઓ તેમ જ વિલે-પાર્લેમાં વેપારી અગ્રણીઓએ પોલીસ અને પાલિકામાં રજૂઆત કરી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા પ્રયાસો કર્યા તે સંબંધી અહેવાલોને આવકારતાં ધારિયાએ કહ્યું હતું કે પ્રિન્સેસ સ્ટ્રીટમાં મુંબઈની સૌથી જૂની કાપડ માર્કેટો તેમ જ ઇલેક્ટ્રિક માર્કેટ સહિતની માર્કેટો આવેલી છે. આ માર્કેટોના 80થી સો વર્ષ જૂના વેપારી ઍસોસિયેશનો છે, આ બધાં ઍસોસિયેશનોના પ્રતિનિધિઓ સાથે મળીને વિચારે તો સમસ્યાઓનો હલ નીકળી શકે એવું મને લાગી રહ્યું છે. 
ઇમાની અમારી યંગ ટીમને આ માટે તૈયાર કરવાનું અમે વિચારી રહ્યા છીએ, એમ જણાવી ભાવિક પરીખે કહ્યું હતું કે મંગલદાસ માર્કેટ, મૂળજી જેઠા માર્કેટ, દવા બજાર, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માર્કેટ સહિતના ઍસોસિયેશનોના અગ્રણીઓ સાથે વાત કરીને અમે એક ટીમ બનાવી પ્રિન્સેસ સ્ટ્રીટની સમસ્યાઓમાંથી રાહત માટે પોલીસ અને પાલિકા સાથે સંવાદ સાધવાનો પ્રયાસ કરીશું.
પ્રિન્સેસ સ્ટ્રીટમાં ઇમાની સામાજિક પ્રવૃત્તિઓ અંગે ધારિયા અને પરીખે કહ્યું હતું કે ત્રણ મહિના અગાઉ જ અમે પ્રિન્સેસ સ્ટ્રીટના જીવરાજ મહેતા ચોકમાં આવેલા એક માત્ર સાર્વજનિક શૌચાલયની જાળવણીનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે, ત્યાં સ્વચ્છતા ઊડીને આંખે વળગે એવી છે. અમારી ઇચ્છા આ પ્રિન્સેસ સ્ટ્રીટને શહેરનો શ્રેષ્ઠ વિસ્તાર બનાવવાની છે પરંતુ પાલિકા તરફથી પૂરતો સહયોગ નથી મળતો. પરીખે કહ્યું હતું કે વર્ષ 2015માં હું ઇમાના પ્રમુખપદે હતો ત્યારે લોહાર ચાલમાં સીસીટીવી કેમેરા મૂકવાની મંજૂરી માગી હતી. પાલિકાએ શરત મૂકી હતી કે સીસીટીવી કેમેરાના પૉલ માટેના ખાડા અમારા કોન્ટ્રાક્ટરો તૈયાર કરશે, અમે બજેટ પુછ્યું તો અમારા આખા પ્રોજેક્ટ જેટલું કહેતાં અમે યોજના જ પડતી મૂકી હતી. 
ધારિયાએ કહ્યું હતું કે તાજેતરમાં ઇમાએ પ્રિન્સેસ સ્ટ્રીટમાં કચરાપેટીઓ મૂકવા માટે પાલિકાની મંજૂરી માગી, તો જણાવાયું કે પાલિકાની મોબાઇલ ઍપ ડાઉનલોડ કરી લો, કચરો પડયો હોય તે સ્થળનો ફોટો પોસ્ટ કરી દો. તુરંત જ પાલિકાના સફાઇ કર્મચારીઓ કચરો ઉઠાવી જશે. આ ઍપ કેવી રીતે કામ કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. ઇમાનો હેતુ કચરા ટોપલીઓ મૂકીને પ્રિન્સેસ સ્ટ્રીટમાં રોજ આવ-જા કરતા લાખો લોકો જ્યાંને ત્યાં નાનો-મોટો કચરો ન ફેંકે એટલા પૂરતો જ હતો, પરંતુ પાલિકાએ તો અમને કચરા ટોપલીઓ મૂકવાની મંજૂરી આપવાના બદલે ઉકરડાના ફોટા મોકલાવવાની સફાઇ કામગીરીમાં જોતરવાનો આઇડિયા આપ્યો. પાલિકાનો આવો અભિગમ બદલે એ જરૂરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer