ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રિલીઝ નહીં થાય : રૂપાણી

ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રિલીઝ નહીં થાય : રૂપાણી
અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.12 : સેન્સર બોર્ડે ભલે પદ્માવતી ફિલ્મને પદ્માવત નામ અને પાંચ ફેરફાર સાથે રિલિઝ કરવાની પરવાનગી આપી દીધી હોય પરંતુ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે ફરી એકવાર જાહેરાત કરતા કહ્યું છે  કે, ગુજરાતમાં પદ્મવત ફિલ્મ રિલિઝ  કરવામાં નહીં આવે. અહીં નોંધવું ઘટે કે, રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ તો પહેલા જ પદ્મવત ફિલ્મ પર પોતાના રાજ્યમાં પ્રતિબંધ મૂકી દીધો છે અને તેની સાથોસાથ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહે  પણ આ ફિલ્મ પર પ્રતિબંધની જાહેરાત કરતા કહ્યું છે કે, તે પોતાના રાજ્યમાં આ ફિલ્મ રિલિઝ નહિં થવા દે.

અગાઉ 22 નવેમ્બર, 2017ના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, વિવાદિત ફિલ્મ પદ્માવતીને ગુજરાતમાં રિલીઝ થવા નહીં દેવાય. તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મ રાજપૂતોની લાગણી દુભાવતી હોવાથી સરકાર તે રિલિઝ નહિં થવા દે, વળી, આ ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડા થયા છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને માને છે પરંતુ સંસ્કૃતિ સાથે છેડછાડ નહિં ચલાવી લે.

દરમિયાન કરણી સેનાએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, ગમે તેટલા સુધારા ફિલ્મમાં કરવામાં આવે, ગમે તેટલા કટ ફિલ્મમાં લગાવવામાં આવે, ભલે ફિલ્મનું નામ બદલવામાં આવ્યું પરંતુ ફિલ્મને અમે રિલીઝ તો નહીં જ થવા દઇએ. જો ફિલ્મ કોઇ થિયેટરમાં રિલીઝ થઇ તો તે થિયેટરમાં થનારા નુકસાન માટે અમે જવાબદાર રહીશું નહીં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer