અંડર-19 વર્લ્ડ કપનો ઇતિહાસ ટૂંકમાં...

1988માં પહેલીવાર યૂથ વર્લ્ડ કપ યોજાયો હતો. જોકે, એ પછી દસ વર્ષ સુધી આ આયોજન બંધ રહ્યું હતું. 1998થી દર બે વર્ષે અંડર-19 વર્લ્ડ કપ યોજાય છે. આ વખતનું આયોજન બારમું છે. જે દરમિયાન ત્રણ વાર અૉસ્ટ્રેલિયા તો ત્રણ વાર ભારત ચૅમ્પિયન બન્યું છે. 1988માં માત્ર આઠ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, પણ એ પછી દર વખતે ટીમોની સંખ્યા 16 રહી છે.
ભારત વર્ષ 2000 (સુકાની-મોહમ્મદ કૈફ), 2008માં (સુકાની-વિરાટ કોહલી) અને 2012માં (સુકાની-ઉન્મુક્ત ચંદ) અંડર-19 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન રહ્યું છે, તો 2006 અને 2016માં ફાઇનલમાં પરાજિત થયું છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ વર્લ્ડ કપના યજમાન બન્યા છે, પણ ભારત હજી લગી આ સ્પર્ધાનું આયોજક રાષ્ટ્ર બન્યું નથી.
1998માં વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલે સ્પર્ધામાં સૌથી વધુ 364 રન કર્યા હતા, તો 16 વિકેટ સાથે રામનરેશ સરવન ટોચનો વિકેટ લેનાર બન્યો હતો. વર્ષ 2000માં ફાઇનલમાં રીતિન્દર સિંહ સોઢી પ્લેયર અૉફ ધ ફાઇનલ અને યુવરાજ સિંહને પ્લેયર અૉફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયો હતો, આ આવૃત્તિમાં સૌથી વધુ રન દક્ષિણ આફ્રિકાના ગ્રેમ સ્મિથે (348) કર્યા હતા. 2002માં ઝિમ્બાબ્વેના ટટેન્ડા તૈબુ મેન અૉફ ધ સિરીઝ હતો, તો ઇંગ્લૅન્ડનો કેમરૂન વ્હાઇટ (423 રન) અને અૉસ્ટ્રેલિયાનો ઝેવિયર ડોહર્ટી (16) વિકેટ અનુક્રમે સર્વોચ્ચ રનકર્તા અને વિકેટ ટેકર હતા. 2004, 2006 અને 2008ની આવૃત્તિમાં તો ભારતીય બૅટ્સમૅનો છવાઈ ગયા હતા. 2004ની સ્પર્ધામાં સર્વોચ્ચ 505 રન સાથે શિખર ધવન મૅન અૉફ ધ સિરીફ જાહેર થયો હતો, તો 2006માં સર્વોચ્ચ 349 રન સાથે ચેતેશ્વર પૂજારા પ્લેયર અૉફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો હતો. 2008માં 262 રન સાથે તન્મય શ્રીવાસ્તવ સર્વોચ્ચ રનકર્તા હતો અને ફાઇનલમાં અજિતેશ અર્ગલ મૅન અૉફ ધ મૅચ રહ્યો હતો. એ પછી 2012માં ભારતીય સુકાની ઉન્મુક્ત ચંદ ફાઇનલમાં મૅન અૉફ ધ મૅચ જાહેર થયો હતો.
સર્વોચ્ચ ટીમ સ્કોર : 2002માં અૉસ્ટ્રેલિયાએ કેન્યા સામે 6 વિકેટે 480નો સ્કોર ખડક્યો હતો. તો ભારતે 2004ની આવૃત્તિમાં સ્કોટલૅન્ડ સામે ત્રણ વિકેટે 425 રન કર્યા હતા.
લોએસ્ટ ટીમ સ્કોર : 2004માં અૉસ્ટ્રેલિયા સામે સ્કોટલૅન્ડની ટીમ 22.3 ઓવરમાં માત્ર બાવીસ રનમાં ખખડી ગઈ હતી.
સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર : 2002માં વેસ્ટ ઇન્ડિઝના ડોનોવાન પાગોને સ્કોટલૅન્ડ સામે 129 બૉલમાં કરેલા 176 રન આ ટુર્નામેન્ટનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. એ પછી ડેનિયલ લોરેન્સના 174 (ઇંગ્લૅડ, 2016) અને 164 જેમ્સ માર્શલ (અૉસ્ટ્રેલિયા, 1998) આવે છે.
બેસ્ટ બૉલિંગ ફિગર : 2002માં ઝિમ્બાબ્વે સામે શ્રીલંકાના જીવન મેન્ડિસે 19 રન આપી સાત વિવેટ લીધી હતી. તો, 20 રનમાં સાત વિકેટ લેવાનું પરાક્રમ 2008માં ન્યૂ ઝીલૅન્ડના ટ્રેન્ટ બોલ્ટે કર્યું હતું. 2012માં નેપાળના રાહુલ વિશ્વકર્માએ માત્ર ત્રણ રન આપી છ વિકેટો લીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer