2018 અંડર-19 વર્લ્ડ કપમાં આ ખેલાડીઓ પર રહેશે નજર...

શુભમ ગિલ : ભારતીય ટીમના સુકાની પૃથ્વી શો કેવો દેખાવ કરે છે એ બાબતે સૌ ઉત્સુક હશે, પણ વનડાઉન બૅટિંગ કરતા શુભમ ગિલનો  દેખાવ અદ્ભુત રહ્યો છે. પોતે જે વયજૂથનો છે તેના કરતાં એક સ્તર ઉપરના વયજૂથમાં તે હંમેશાં રમ્યો છે. 2014માં પંજાબની ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ અંડર-16 સ્પર્ધામાં 351 રન ખડક્યા હતા અને નિર્મલ સિંહ સાથે 587 રનની વિક્રમી ભાગીદારી કરી હતી. 2013-14 અને 2014-15 એમ બે વર્ષ સતત તે બીસીસીઆઈ જુનિયર ક્રિકેટર અૉફ ધ યરનો એવૉર્ડ જીત્યો છે. ચાલુ વર્ષની શરૂઆતમાં ઇંગ્લૅન્ડ સામેની યૂથ વન-ડે શ્રેણીમાં શુભમે 351 રન કર્યા હતા. (ચાર ઇનિંગ્સમાં) અને મૅન અૉફ ધ સિરીઝ પણ જાહેર કરાયો હતો. તો આ વર્ષે જ ઇંગ્લૅન્ડમાં રમાયેલી શ્રેણીમાં તેણે ચાર ઇનિંગ્સમાં 278 રન કર્યા હતા. કોચ રાહુલ દ્રવિડ શુભમને લઈને બહુ આશાવાદી છે.
શાહીન આફ્રિદી : ના, આ પાકિસ્તાની ફાસ્ટ બૉલરને બૂમબૂમ આફ્રિદી સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાન ઘરેલુ ક્રિકેટની કાયદે આઝમ ટ્રૉફીમાં ખાન રિસર્ચ લેબોરેટરી વતી રમતાં શાહીને રાવલપિંડી સામેની મૅચમાં 39 રન આપી આઠ વિકેટો ખેરવી હતી. પૂરપાટ વેગે યોર્કર નાખવાની ક્ષમતા ધરાવતાં શાહીનની સરખામણી અત્યારથી જ મિચેલ સ્ટાર્ક સાથે થાય છે. હજી તો તે 20 વર્ષનો પણ થયો નથી ત્યાં જ બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ઢાકા ડાયનામાઇટ ટીમે તેને બે વર્ષ માટે કરારબદ્ધ કર્યો છે. યુ ટયૂબ પર તેના આગઝરતા યોર્કરના વીડિયોને જોનારા, લાઇક અને શેર કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે.
મુજીબ જાદરાન : 16 વર્ષનો મુજીબ જાદરાન ટ્રેડિશનલ અૉફ્ફસ્પીન બૉલર છે, જે વચ્ચે-વચ્ચે લેગસ્પીન અને ચોંકાવનારી ગૂગલીઓ પણ નાખે છે. મુજીબની ખાસિયત એ છે કે તે નવા બૉલથી બૉલિંગ કરે છે અને હાલમાં જ બાંગ્લાદેશ અંડર-19 ટીમ સામેની ચાર મૅચની શ્રેણીમાં પ્રથમ ત્રણ મૅચમાં તેણે આઠ વિકેટો ખેરવી, તો છેલ્લી મૅચમાં 19 રન આપી સાત શિકાર કરી બાંગ્લાદેશને ઘરઆંગણે ચિત કર્યા હતા. અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને પરાસ્ત કરવામાં મુજીબે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તો સેમિ-ફાઇનલમાં નેપાળ સામે છ વિકેટો ખેરવી હતી. મુજીબને પણ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં કોમિલિયા વિકટોરિયન્સે ટીમમાં તેને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે લીધો હતો.
જેસન સાંઘા : જેસને બે-ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં અનેકોનું ધ્યાન ખેંચ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સની અંડર-15 સ્કૂલ બૉય્ઝ ટીમ માટે રમતી વખતે 2015માં જેસનનો દેખાવ જોઈને ક્રિકેટ અૉસ્ટ્રેલિયાની અંડર-17 ઇન્વિટેશન ટીમ માટે તેની પસંદગી કરવામાં આવી જેમાં પાંચ મૅચોમાં ચાર અડધી સદી કરી તો અંડર-19 નેશનલ ચૅમ્પિયનશિપ માટે પણ તેની પસંદગી કરાઈ હતી અને આ સ્પર્ધામાં કેટલા ઉજળા દેખાવે તેને ન્યૂ સાઉથવેલ સાથે કરારબદ્ધ થનાર સૌથી નાની વયનો ખેલાડી બનાવ્યો હતો. એશિઝ પૂર્વેની પ્રૅક્ટિસ મૅચમાં ઇંગ્લૅન્ડ સામે તેણે સદી ફટકારી હતી. આ સદી સાથે તે 18 વર્ષ 71 દિવસની વયે અૉસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર બીજા ક્રમનો યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. (આ પૂર્વે રિકી પોન્ટિંગે 18 વર્ષ 39 દિવસની વયે તાસ્મેનિયા માટે રમતા 1992-93માં ન્યૂ સાઉથ વેલ્સ માટે સદી ફટકારી હતી). તે સચીન તેંડુલકર બાદ બીજા ક્રમનો એવો યુવાન  ખેલાડી બન્યો હતો જેણે ઇંગ્લૅન્ડ સામે સદી ફટકારી હોય. જેસન અૉસ્ટ્રેલિયાનો કૅપ્ટન છે અને તેના પિતા કુલદીપ સાંઘા ભારતીય મૂળના છે.
અફિફ હોસેન : વરને કોણ વખાણે? વરની  મા. વેલ, બાંગ્લાદેશના બૅટ્સમૅન અફિફ હોસેનનું પણ કંઈક આવું જ છે, તેની ટીમના કોચ ડેમિયન રાઇટે તેને આ સ્પર્ધામાંનો શક્યત: સૌથી ટેલેન્ટેડ લેફ્ટી બૅટ્સમૅન ગણાવ્યો છે. જોકે, બાંગ્લાદેક્ષની ટી-20 લીગની પ્રથમ જ મૅચમાં બૉલર તરીકે ઝળક્યો હતો. પહેલી જ મૅચમાં ધડાકેબાજ ક્રિસ ગેઇલ સહિતની પાંચ વિકેટો ખેરવી તેણે પોતાના આગમનની છડી પોકારી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer