અન્ડર-19 વર્લ્ડ કપ : ક્રાંતિની સંક્રાંતિ

અન્ડર-19 વર્લ્ડ કપ : ક્રાંતિની સંક્રાંતિ
એક સમયે યુનિવર્સિટીનાં મેદાનો પર અંડર-19 વર્લ્ડ કપની મૅચો રમાતી અને ખેલાડીઓને કેમ્પસમાં જ ઉતારો અપાતો. એ વખતે આ મૅચોના લાઇવ ટેલિકાસ્ટનો તે પ્રશ્ન જ નહોતો. છેક ત્યાંથી લઇને આજે બિઝનેસ ક્લાસમાં ફ્લાય કરતા અને પંચતારક હોટેલમાં ઊતરતા થયા છે. મૅચોનું માત્ર જીવંત પ્રસારણ જ નહીં, ખેલાડીઓના ઇન્ટરવ્યુઝ, માર્કેટિંગને લગતા ઇવેન્ટ્સ અને જાતભાતના આયોજન પણ થાય છે. અત્યારે ટોચની દસ ક્રિકેટ ટીમમાંથી નવના સુકાની આ સ્પર્ધાની દેન છે, એ બાબત આ સ્પર્ધા વિશે બધું જ કહીં જાય છે. મજાની વાત તો એ છે કે, એક તબક્કે અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે ફર્સ્ટ - કલાસ ક્રિકેટના દરવાજા ખૂલી જતાં, આજે વિવિધ દેશની ટી-20 પ્રીમિયર લીગ્સ અને ઇવન સિનિયર નેશનલ ટીમમાં પ્રવેશવા માટેનું લોન્ચ પેડ આ ટુર્નામેન્ટ પૂરું પાડે છે. કેટલીય ટીમમાં એવા ખેલાડીઓ છે જે કદાચ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા નથી, પણ ટી-20 લીગમાં તેમનાં નામના સિક્કા પડે છે. આ છે અંદર-19 કપના સ્થિત્યંતરો.
આ વખતે 13મી જાન્યુઆરીથી ત્રીજી ફેબ્રુઆરી દરમિયાન ન્યૂ ઝીલૅન્ડમાં વિશ્વની 16 ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટ રમાવાની છે. આ સોળ ટીમોમાં આઈસીસીની દસ ફૂલ મેમ્બર ટીમ (ન્યૂ ઝીલૅન્ડ, ભારત, ઇંગ્લૅન્ડ, અૉસ્ટ્રેલિયા, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ) ઉપરાંત 2016માં બેસ્ટ ઍસોસિએટ દેશની ટીમ તરીકે નામિબિયા અને અફઘાનિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, પપુઆ ન્યૂ ગિની અને કેન્યાનો સમાવેશ થાય છે. આ ટીમોને કુલ ચાર ગ્રુપમાં વિભાજિત કરાઈ છે. ગ્રુપ-એમાં ન્યૂ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ અને કેન્યા. ગ્રુપ -બીમાં ભારત, અૉસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને પપુઆ ન્યૂ ગિની. ગ્રુપ-સીમાં ઇંગ્લૅન્ડ, બાંગ્લાદેશ, કેનેડા અને નામિબિયા, તો ગ્રુપ-ડીમાં પાકિસ્તાન, શ્રીલંકા, આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન છે. દરેક ગ્રુપમાં લીગ મૅચો રમાશે અને ગ્રુપની ટોચની બે ટીમો સુપર લીગ અર્થાત્ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે, એ પછી નોકઆઉટ તબક્કો રહેશે.
ભારતીય ટીમનું સુકાન પૃથ્વી શોના હાથમાં છે, જેણે સ્કૂલ ક્રિકેટમાં વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોરનો વિક્રમ પોતાના નામે કર્યો છે - તેણે એક જ દાવમાં 546 રન કર્યા હતા. નવ ફર્સ્ટ ક્લાસ મૅચમાં પાંચ સદી પણ તેના નામે બોલે છે. ઓપનિંગ બેટ્સમૅન અને વાઇસ કૅપ્ટન શુભમ ગિલ તો સ્પર્ધામાંના પ્રોમિસિંમ પ્લેયરમાંનો એક છે. 6 ફૂટ બે ઇંચની હાઇટ ધરાવતો ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહે હાલમાં જ ચેલેન્જર ટ્રૉફીમાં ઇન્ડિયા રેડ માટે રમતા સાત વિકેટો મેળવી હતી. તો, લેફ્ટ આર્મ સ્પીનર શિવા સિંહ અને મિડિયમ પેસર શિવમ્ માવી અને અનુકૂલ રોય પણ ઘાતક અને અસરકારક છે. આ ઉપરાંત મનજોત કાલરા, રિયાન પરાગ, પંકજ યાદવ, આર્યન જુપાલ, સૌરાષ્ટ્રનો વિકેટકિપર હાર્વિક દેસાઈ અને ઇશાન પોરેલ પણ દમદાર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer