વડાલાને સ્માર્ટ બિઝનેસ હબ બનાવવાની યોજનાને મંજૂરી

મુંબઇ, તા.13 : વડાલાના નૂતનીકરણની યોજનાને મંજૂરી મળી છે, વડાલા ટ્રક ટર્મિનસનો વિકાસ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ તરીકે કરવાની મંજૂરી એમએમઆરડીએએ આપી છે અને ત્યાં વસવાટ પણ હશે. વડાલામાં એમએમઆરડીએ હસ્તક 109 હૅક્ટર જમીન છે તેમાંથી 64 હૅક્ટરનો વિકાસ થશે. 
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે વડાલાને બિઝનેસ હબ તરીકે વિકસિત કરવાની યોજના અંતર્ગત આ વિસ્તારનું નૂતનીકરણ હાથ ધરવાની યોજનાને મંજૂરી મળી છે. આ યોજના અંતર્ગત સરકારે રેસિડેન્શિયલ અને કમર્શિયલ બંને હેતુસર વિકાસની યોજના તૈયાર કરી છે. આંતરરાજ્ય બસ ટર્મિનસની તર્જ પર વડાલાના ટ્રક ટર્મિનસના વિકાસની પણ યોજના હોવાનું ફડણવીસે કહ્યું હતું. આ યોજનાથી એમએમઆરડીએને બાંદરા-કુર્લા કોમ્પ્લેક્ષની જેમ જ આવકનો નવો સ્ત્રોત મળી રહેશે. 
એમએમઆરડીએ દ્વારા ટ્રક ટર્મિનસને હટાવી આંતરરાજ્ય બસ ટર્મિનસનો પ્રસ્તાવ મુકાયો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે વડાલાને અમે વાઇ-ફાઇ સર્વિસ સહિત સ્માર્ટ બિઝનેસ હબ બનાવવા માગીએ છીએ. આ વિસ્તારમાં પાર્કિંગ ગાઇડન્સ સિસ્ટમ અને અત્યાધુનિક સીસીટીવી કૅમેરા નેટવર્ક પણ હશે. 
મુંબઈ પોર્ટ ટ્રસ્ટ પણ વડાલામાં તેની જમીનમાં સુંદરીકરણ યોજના અંતર્ગત રિક્રિયેશન અને એન્ટરટેનમેન્ટ હબ વિકસિત કરશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer