સુપ્રીમ કોર્ટનો વિવાદ : `આઉટ અૉફ કોર્ટ'' સમાધાનના પ્રયાસ

સુપ્રીમ કોર્ટનો વિવાદ : `આઉટ અૉફ કોર્ટ'' સમાધાનના પ્રયાસ
નવી દિલ્હી, તા. 13 : ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં પ્રથમ વેળા મીડિયા સમક્ષ સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પોતાના મનની વાત કર્યા પછી જે વિવાદ ઊભો થયો છે તે આજે શમી જવાની શક્યતા છે. એક બાજુ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા આજે સુપ્રીમ કોર્ટના અન્ય બીજા જજોથી મુલાકાત કરી શકે છે, ત્યારે બીજી બાજુ બાર એસોસિયેશને પણ એક બેઠક બોલાવી છે, જ્યારે ત્રીજી બાજુ ભારતના એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ પણ ચાર જજોને મળી આ વિવાદને શાંત પાડી દેવા આજે પ્રયાસો કરવાના છે. આમ આ વિવાદ આઉટ અૉફ કોર્ટ સેટલ થવાના ઊજળા સંજોગો ઊભા થયા છે. આમ છતાં એક અહેવાલ એવો છે કે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનું માનવું છે કે કયા કેસ ક્યા જજને સોંપવા તે પ્રથા પહેલેથી ચાલતી આવી છે તેને તેઓ તોડવા માગતા નથી. ચીફ જસ્ટિસનું એમ કહેવાનું હોવાનું પણ મનાય છે.

અગાઉના જસ્ટિસ એચ. એલ. દત્તુ, ટી. એસ. ઠાકુર, જે. એન. ખેહરના નિર્ણયોને લઈને જ કેસ બેન્ચોને સોંપવામાં આવતા હતા.

દરમિયાન આ સમગ્ર પ્રકરણમાં વડા પ્રધાનની મધ્યસ્થીની જે માગ કરવામાં આવી રહી છે તેમાં વડા પ્રધાન કાર્યાલયે કોઈ રસ દાખવ્યો નહીં હોવાનું જાણવા મળે છે અને આ સમગ્ર પ્રકરણ કાયદા પ્રધાન રવીશંકરને સોંપી દીધું છે. હવે તેઓ પણ આજે દિવસભરની ઘટનાક્રમ પર નજર રાખી જ્યાં પોતાની મધ્યસ્થીની આવશ્યકતા હશે ત્યાં જ મધ્યસ્થી કરશે એમ જાણવા મળે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer