ત્રીજી વનડેમાં અૉસ્ટ્રેલિયાને હાર આપી ઈંગ્લૅન્ડે શ્રેણી કબજે કરી

 
કાંગારું  ટીમ તેની ધરતી પર પહેલીવાર શ્રેણીની  પહેલી ત્રણ મૅચમાં હારી

સિડની તા.21: ઇંગ્લેન્ડે તેની એશિઝ હારનો ઓસ્ટ્રેલિયાથી બદલો લઇ લીધો છે. ઇંગ્લેન્ડની ટીમે આજે રમાયેલ ત્રીજો વન ડે પણ જીતીને પાંચ મેચની શ્રેણી 3-0ની અતૂટ સરસાઇથી જીતી લીધી છે. આજે રમાયેલા ત્રીજા વન ડેમાં ઇંગ્લેન્ડની ટીમે ઇંગ્લેન્ડ સામે જીત માટે 303 રનનો વિજય લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરના અંતે 6 વિકેટે 286 રને હાંફી ગઇ હતી. આથી ઇંગ્લેન્ડનો 16 રને શાનદાર વિજય થયો હતો. પહેલા બે વન ડેમાં પણ ઇંગ્લેન્ડની જીત થઇ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની ધરતી પર કોઇ શ્રેણીના પહેલા ત્રણ મેચમાં હારી છે.
ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. વોર્નર 8 અને કેમરુન વ્હાઇટ 16 રને આઉટ થયા હતા. જો કે સતત બે સદી કરનાર એરોન ફિંચે ફરી એકવાર શાનદાર બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાને 100ની ઉપર પહોંચાડયું હતું. ત્રીજી વિકેટના રૂપમાં ફિંચ 62 રને અને એ પછી સુકાની સ્મિથ 45 રને આઉટ થયા હતા. મિચેલ માર્શે પપ રનની ઇનિંગ રમ્યા બાદ આઉટ થતાં ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર આવી ગયું હતું.  અંતમાં સ્ટોયનિસ 59 રને અણનમ રહયો હતો, પણ ઓસિ.ને જીત અપાવી શકયો ન હતો.
આ પહેલા ઇંગ્લેન્ડની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 302 રન બનાવ્યા હતા. વિકેટકીપર જોશ બટલરે ઇનિંગના આખરી દડે તેની સદી પૂરી કરી હતી. તેણે 83 દડામાં 6 ચોકકા અને 4 છકકાથી 100 રન કર્યાં હતા. પૂંછડિયા ક્રિસ વોકસે 36 દડામાં પ ચોકકા અને 2 છકકાથી 53 રન કર્યાં હતા. સુકાની મોર્ગને 41 અને બેયરસ્ટોએ 39 રનની ઇનિંગ રમી હતી. ઓસિ. તરફથી હેઝલવૂડને 2 વિકેટ મળી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer