અમેરિકાએ ભારતથી આયાત થતા સામાન ઉપર લાદ્યું નિયંત્રણ


સ્ટેનલેસ સ્ટીલના ફ્લેંજ, સૂક્ષ્મ ડેનિયર પોલિયેસ્ટર સ્ટેપલ ફાઈબર ઉપર અમેરિકાની એન્ટિ ડમ્પિંગ ડયૂટી

નવી દિલ્હી, તા. 21 : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને અમેરિકાના સંબંધો સુધર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. વૈશ્વિક રાજનિતીમાં આતંકવાદ સહિતના મુદ્દે ભારત અને અમેરિકાએ એક જ મત વ્યક્ત કર્યો છે. જો કે કારોબારના મામલામાં અમેરિકાનું વલણ ભારત કરતા તદ્દન અલગ દેખાઈ રહ્યું છે.આ જ કારણથી ટ્રમ્પે તેમના મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઝટકો આપતા ઘરેલૂ કારોબારને બચાવવા માટે ભારતની આયાત થતા સ્ટેનલેસ સ્ટિલ સહિતના માલસામાન ઉપર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાદી દીધી છે.
અમેરિકાના સ્થાનિક ઉદ્યોગો અત્યારે કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અમેરિકાએ પોતાના સ્થાનિક ઉદ્યોગોને બચાવવા માટે ભારતથી આયાત થતા સ્ટેનલેસ સ્ટીલના ફ્લેંજ અને સુક્ષ્મ ડેનિયર પોલિએસ્ટર સ્ટેપલ ફાઈબર ઉપર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાદી છે. અમેરિકાએ ભારત ઉપરાંત ચીન ઉપર પણ આ પ્રતિબંધ લાદ્યો છે. અમેરિકાના નિર્ણયથી ભારતીય કંપનીઓને ભારે નુકશાન ઉઠાવવું પડશે તેવી સંભાવના છે. અમેરિકાના વાણિજ્યમંત્રી વિલ્બર રોસે કહ્યું છે કે, અમેરિકા હવે ચુપચાપ બેસીને પોતના ઉદ્યોગોને મરણપથારીએ પહોંચતા જોઈ શકે તેમ નથી. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારત અને ચીનમાં ફ્લેંજ સહિતની સામગ્રીની નિકાસને પ્રોત્સાહિત કરવા માટે સબસીડી અપાઈ છે અને અમેરિકા આવી રાહતથી પોતાના ઉદ્યોગોને નુકશાન પહોંચાડી શકે નહી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer