આમ આદમી પાર્ટીએ 20 વિધાનસભ્ય ગુમાવ્યા : ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી

 
આમ આદમી પાર્ટીએ કહ્યું, લોકતંત્ર ઉપર જોખમ: ભાજપ કહે છે ચૂંટણીપંચે પોતાનું કામ કર્યુ: કૉંગ્રેસનો ભાજપ, ચૂંટણીપંચ સામે આપને મદદ કર્યાનો આક્ષેપ

નવીદિલ્હી,તા.21: દિલ્હીની શાસક આમઆદમી પાર્ટીને આજે મોટો ફટકો પડયો છે. દિલ્હી વિધાનસભામાંથી આપનાં 20 ધારાસભ્યોનું સભ્યપદ સમાપ્ત થઈ ગયું છે. લાભનાં પદ (ઓફિસ ઓફ પ્રોફિટ) મુદ્દે 20 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની ચૂંટણીપંચની ભલામણ ઉપર રાષ્ટ્રપતિએ મંજૂરીની મ્હોર લગાવી દીધી છે અને આ વિધાયકોને ગેરલાયક ઘોષિત કરતું જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.
આપે ચૂંટણીપંચની ભલામણ બાદ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે પરવાનગી માગી હતી. પક્ષનો આરોપ હતો કે પંચે ધારાસભ્યોનો પક્ષ સાંભળ્યા વિના જ પોતાનો ફેંસલો આપી દીધો છે. જો કે આ મુલાકાત પૂર્વે જ રાષ્ટ્રપતિએ ધારસભ્યોનાં સભ્યપદ ઉપર ચોકડી મારી દીધી છે. દિલ્હીની સરકાર ઉપર આનાથી કોઈ ખતરો તો નથી પણ હવે આપ પાસે માત્ર અદાલતમાંથી જ કોઈ રાહતની આશા બચી છે. હાઈકોર્ટમાં આ મામલે આવતીકાલે સોમવારે સુનાવણી થવાની છે. જો ત્યાંથી કોઈ રાહત નહીં મળે તો આપને સુપ્રીમકોર્ટમાં જવું પડશે. બીજીબાજુ જો આ નિર્ણયનો સ્વીકાર કરી લેવામાં આવે તો આમઆદમી પાર્ટી પાસે પેટાચૂંટણીનો જ રસ્તો બચશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે માર્ચ 201પમાં આપનાં 21 વિધાયકોને સંસદીય સચિવ પદે નિયુક્ત કર્યા હતાં. ભાજપ અને કોંગ્રેસે તેની સામે સવાલ ઉઠાવ્યો. પ્રશાંત પટેલ નામક એક વ્યક્તિએ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરી કે આ લાભનું પદ છે અને તેને ધ્યાને લેતાં આ તમામ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા જોઈએ. ત્યારબાદ દિલ્હીની સરકારે ધારસભ્યને ગેરલાયક ઠરાવવા સંબંધિત કાયદામાં સુધારો કર્યો હતો અને સંસદીય સચિવનાં પદને તેમાંથી છૂટ આપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તે વિધેયક નામંજૂર કરી દીધું હતું. 21 ધારાસભ્યોમાંથી જરનૈલ સિંહ પક્ષમાંથી રાજીનામુ આપી ચુક્યા હોવાથી બાકી બચેલા 20 ધારાસભ્યોને હવે અયોગ્ય જાહેર કરવાં ઉપર રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી છે.
રાષ્ટ્રપતિનાં નિર્ણય પછી પ્રતિક્રિયા આપતાં આપે કહ્યું હતું કે આ પ્રાકૃતિક ન્યાયનાં સિદ્ધાંતની વિરુદ્ધ છે. આપનાં નેતા આશુતોષે આને લોકતંત્ર ઉપર ખતરો ગણાવ્યો હતો. જ્યારે ભાજપ કહે છે કે ચૂંટણીપંચે પોતાનું કામ કર્યુ છે. તેનાં ઉપર કોઈ પ્રકારનું દબાણ નહોતું. જ્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ અને પંચે આપને મદદ કરી છે. જો આ નિર્ણય 22 ડિસેમ્બર પૂર્વે લેવાયો હોત તો રાજ્યસભા ચૂંટણીમાં તે મતદાન કરવાં પાત્ર ન હોત. નોંધનીય છે કે હાલમાં જ રાજ્યસભાની 3 બેઠકો ઉપર આપનાં ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer