બિહારમાં વિશ્વની સૌથી મોટી માનવસાંકળ

બિહારમાં વિશ્વની સૌથી મોટી માનવસાંકળ

દહેજ, બાળવિવાહની બદીઓ વિરુદ્ધ 13,668 કિ.મી. સાંકળમાં જોડાયા 5 કરોડ લોકો

પટણા, તા. 21 : બિહારમાં દહેજ અને બાળ વિવાહ જેવી બદીઓ સામે લડવાના સંકલ્પ સાથે રવિવારે વિશ્વની સૌથી મોટી માનવ સાંકળ રચીને ઇતિહાસ રચાયો હતો. 13,668 કિલોમીટર લાંબી આ માનવ સાંકળમાં લગભગ પાંચ કરોડ નાગરિકો જોડાયા હતા.
શાળાનાં બાળકો, વાલીઓ, શિક્ષકો, અધિકારીઓ, ધારાસભ્યો, મંત્રીઓથી માંડીને સામાન્ય નાગરિકોને જોડતી માનવ સાંકળની શરૂઆત પટણાના ગાંધી મેદાનમાંથી ગુબારા છોડીને કરાવતાં મુખ્યમંત્રી નીતીશકુમારે જોડાયેલા તમામને અભિનંદન આપ્યાં હતાં.
પત્રકારો સાથે વાત કરતાં નીતીશે જણાવ્યું હતું કે, બાળ વિવાહ અને દહેજ વિરુદ્ધ અગાઉથી જ કાયદો છે, પરંતુ તેમ છતાં આ બદીઓ સમાજમાં હજુ અસ્તિત્વ ધરાવે છે.
અમે ગાંધીજીના જન્મદિવસ બીજી ઓક્ટોબરથી આ દૂષણરૂપ કુરિવાજો વિરુદ્ધ છેડેલું અભિયાન હજુ પણ જારી રહેશે તેવું કુમારે કહ્યું હતું.
દહેજ અને બાળ વિવાહ વિરુદ્ધ લોકોમાં જાગૃતિ આવી રહી છે. લોકોના મનમાં ઉત્સાહનો માહોલ બની રહ્યો છે તેવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ઠંડીની પરવા કર્યા વગર લોકોએ માનવ સાંકળ રચી હતી. અગાઉ રસ્તાઓ પર માનવ સાંકળ રચાઇ હતી. આ વખતે લોકો પર છોડાયું હતું. લોકોએ ગામ, શેરી, ફળિયામાં પણ સાંકળ રચી હતી.
ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ શરાબ પર પ્રતિબંધ પ્રત્યે પ્રતિબદ્ધતાને દોહરાવવા માટે માનવ સાંકળ રચાઇ હતી ત્યારે લાલુપ્રસાદ યાદવે નીતીશકુમારનો હાથ પકડયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer