એસી લોકલમાં માત્ર 65 દિવસના પ્રવાસ માટે પ્રવાસીઓ 90 દિવસનાં નાણાં શા માટે ચૂકવે ?

એસી લોકલમાં માત્ર 65 દિવસના પ્રવાસ માટે પ્રવાસીઓ 90 દિવસનાં નાણાં શા માટે ચૂકવે ?

ભાડાંનો ફરક ચૂકવીને ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓને છૂટ પરંતુ
 
નવા નિયમથી એસી લોકલ ફુલ થશે એમ માનવું ભૂલભરેલું
મણિલાલ ગાલા તરફથી
મુંબઈ, તા. 21 : પશ્ચિમ રેલવેએ દેશની પ્રથમ એસી લોકલમાં પ્રથમ વર્ગના માસિક પાસધારકો અને ટિકિટધારકોને ભાડાંનો તફાવત ચૂકવીને પ્રવાસ કરવાની સોમવાર, 22 જાન્યુઆરીથી 26 જૂન, 2018 સુધી છૂટ આપી છે, પરંતુ એનાથી હાલ લગભગ અડધી ખાલી દોડતી એસી લોકલ પૂરી ભરાઈ જશે એમ માની લેવાની જરૂર નથી.
હાલ એસી લોકલ સપ્તાહના માત્ર પાંચ દિવસ દોડે છે. શનિવાર અને રવિવારે દોડતી નથી. વધુમાં તેમાં માત્ર એક મહિનાનો જ સિઝન પાસ અપાય છે. ત્રિમાસિક, છમાસિક કે બારમાસિક પાસ અપાતો નથી. હવે મોટા ભાગે ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓ ત્રણ મહિનાનો પાસ કઢાવે છે. કારણકે એમાં એમને લગભગ 10.25 ટકાનો ફાયદો થાય છે. દાખલા તરીકે ચર્ચગેટથી બોરીવલીના ફર્સ્ટ ક્લાસના માસિક પાસની કિંમત 755 રૂપિયા છે. આથી દર મહિને પાસ કઢાવીએ તો ત્રણ મહિનાના પાસના 2265 રૂપિયા થાય પરંતુ એક સાથે ત્રિમાસિક પાસ કઢાવીએ તો માત્ર 2025 રૂપિયામાં પડે છે. આમ 240 રૂપિયા (અંદાજે 10.25 ટકા)નો ફાયદો થાય છે. એટલે મોટા ભાગના પ્રવાસીઓ ત્રિમાસિક પાસ કઢાવે છે. જો મહિનાનો ફર્સ્ટ કલાસનો પાસ કઢાવે તો આ ફાયદો જતો કરવો પડે એટલું જ નહીં હાલ ચર્ચગેટથી બોરીવલીના એસી લોકલનાં મહિનાના પાસના 1640 રૂપિયા છે જે ફર્સ્ટ ક્લાસના રૂા. 755ના ભાવ કરતાં બમણાથી વધુ છે.
એટલે એસી લોકલમાં ત્રણ મહિનાના પ્રવાસ માટે 4920 રૂપિયા ચૂકવવા પડશે અને હકીકતમાં તેમાં પ્રવાસ માત્ર 65 દિવસ કરવા મળશે. જ્યારે ફર્સ્ટ ક્લાસનાં ત્રિમાસિક પાસના 2025 રૂપિયા હોવાથી પ્રવાસીઓને માત્ર 65 દિવસ માટે 2895 રૂપિયા જેટલી વધુ રકમ ચૂકવવી પડશે. હા, જેમને એસી લોકલમાં સિંગલ જર્ની કરવી હોય તેમને ફર્સ્ટ કલાસની ટિકિટથી 25 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
અનેક પ્રવાસીઓએ જણાવ્યું હતું કે એસી લોકલ માત્ર પાંચ દિવસ દોડે છે અને તેનાં સિઝન ટિકિટના દર ફર્સ્ટ કલાસથી લગભગ બમણા છે. જો આ ભાડું તર્કસંગત નહીં કરવામાં આવે, ફ્રીકવન્સી નહીં વધે ત્યાં સુધી રેલવે તંત્ર માટે આ એસી લોકલ `ખાતર પર દિવેલ' બની રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer