હજયાત્રીઓની બાબતે હજ કમિટી નકવી સાથે ચર્ચા કરશે


નવી દિલ્હી, તા. 21 : હજ કમિટી અૉફ ઇન્ડિયાના સભ્યો ત્રણ મહત્ત્વના મુદ્દા અંગે કેન્દ્રના લઘુમતી બાબતો ખાતાના પ્રધાન સાથે વાતચીત કરશે. હજ સમિતિના ચૅરમૅન ચૌધરી મેહબૂબઅલી કૈસરે કહ્યું હતું કે અમારી શનિવારે ભરાયેલી મિટિંગમાં અમે સઉદી અરેબિયાની સરકાર સાથે કરેલા કરારની માહિતી સભ્યોને આપી હતી. હાજીઓ અંગેની બીજી બાબતોની પણ ચર્ચા કરાઈ હતી. અમારે આ સંદર્ભમાં પ્રધાન પાસેથી થોડા ખુલાસા જોઇએ છે.
બોર્ડ સભ્યોએ કહ્યું હતું કે ઓચિંતી રદ કરાયેલી હજ સબસિડી અનેક વર્ષોથી હજ પર જવા માટે અરજી કરનારને ખાસ અવસર તથા હાજીઓની રહેવાની સુવિધાની બાબતોની પ્રધાન સાથે ચર્ચા કરાશે. 2022ને બદલે ઓચિંતી રદ કરાયેલી સબસિડીની પડનારી માઠી અસર વિશે ચર્ચા કરાઈ હતી. અમે સભ્યોની ચિંતાથી પ્રધાનને વાકેફ કરાવીશું. અમે સબસિડી રદ ન કરવાની વિનંતી સરકારને કરી હતી પરંતુ સરકારે અમારી વિનંતી ઠુકરાવી હતી. આનો કોઈ ત્વરિત ઉકેલ નથી, પરંતુ અમે આ બાબત નકવી સમક્ષ ઉઠાવીશું. સભ્યોએ ક્વૉટા રદ કરવાનો અને જહાજમાં હજ પર જવાના મુદ્દા ઉઠાવ્યા હતા. હજ કમિટીના સભ્ય હુસેન દલવાઈએ કહ્યું હતું કે અગાઉ હજ પર ન જનાર લોકોને ખાસ અવસર અપાય છે. અનેક વાર અરજી કરનાર લોકોની એક યાદી છે, આ યાદી પણ સરકારે રદ કરી છે. આ ખાસ કેટેગરીના લોકો મારી પાસે આવે છે.
સરકાર દર વર્ષે તેમની પાસે ફોર્મ ભરવાનાં નાણાં લે છે. જે લોકો જહાજથી સઉદી પહોંચે છે તેમના રહેવાની સગવડની બાબત પણ અમે મિનિસ્ટર સમક્ષ ઉપાડીશું. અગાઉ સઉદી અરેબિયા જહાજથી હજ કરનારા માટે અલગ જગ્યા રાખતું હતું. સઉદીના સત્તાવાળાઓ કહે છે કે અમે આવા હાજીઓ માટે વ્યવસ્થા કરીશું, પરંતુ આ ન થાય ત્યાં સુધી લોકોએ પોતાની વ્યવસ્થા કરવી પડશે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer