ઇપીએફઓમાં ઈક્વિટીરોકાણની મર્યાદા વધારીને 25 ટકા કરવાની યોજના

ઇપીએફઓમાં ઈક્વિટીરોકાણની મર્યાદા વધારીને 25 ટકા કરવાની યોજના
નવી દિલ્હી, તા.22 : છેલ્લાં અમુક અઠવાડિયાથી શૅરબજારોમાં જોવા મળી રહેલી તેજીના પગલે પ્રોવિડંડ ફંડની રકમ શૅરબજારમાં રોકાણ માટે પસંદ કરવામાં આવે તેવી શક્યતા હોવાનું એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રકારનાં પગલાંથી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં પ્રોવિડંડ ફંડનું રોકાણ બમણું થઈ શકે. 
સરકારની યોજના છે કે એપ્લોઈસ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)માં ઈક્વિટી રોકાણની હાલની મર્યાદા 15 ટકાથી વધારીને 25 ટકા કરવાની છે. ડેબ્ટની સરખામણીમાં ઈક્વિટીમાંથી રિટર્ન ધારણા કરતાં વધુ હોવાથી સરકાર આ યોજના વિચારી રહી છે. 
ડેટમાં રિટર્ન 8.5 ટકા છે, જ્યારે ઈક્વિટીમાં 13.5 ટકા છે. નાણાકીય વર્ષ-17માં ઈપીએફઓ દ્વારા વ્યાજની ચુકવણી 8.65 ટકાની હતી. જો રોકાણની મર્યાદા વધારવાના પ્રસ્તાવને મંજૂર કરવામાં આવે તો ઈપીએફઓની વાર્ષિક ઈક્વિટી ફાળવણી રૂા.50,000 કરોડથી પણ વધી શકે છે. 
વિશ્વના અનેક દેશોમાં ઈક્વિટીને પેન્શન ફંડ્સ માટે પસંદગી કરવામાં આવે છે. આ ફંડ્સ 30થી 40 ટકા ઈક્વિટીમાં રોકાણ કરે છે કેમ કે આમાં ફુગાવોને ગ્રહિત ધરીને રિટર્ન મળે છે. ઉપરાંત અત્યાર સુધીમાં અમારા રોકાણમાં અમને 13 ટકાથી પણ વધુ રિટર્ન મળ્યું છે, એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. 
નાણા મંત્રાલયે પરંપરાગત રીતે બિન-સરકારી પ્રોવિડંડ ફંડ, વાર્ષિક ફંડ્સ અને ગ્રેચ્યુઈટી ફંડના માળખાં જાહેર કર્યાં છે. ઈપીએફઓના કિસ્સામાં અમલ થતાં પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસની મંજૂરી લેવી અનિવાર્ય છે. વર્તમાન નિયમ એપ્રિલ 2015થી છે, જ્યારે સરકારે 5-15 ટકાની ઈક્વિટી મર્યાદા નક્કી કરી હતી. અૉગસ્ટ 2015માં ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડે નિફ્ટી 50 અને સેન્સેક્ષ સૂચકાંકો આધારિત ઈટીએફમાં રોકાણ કરવાની મંજૂરી આપી હતી. 
નાણાકીય વર્ષ-16માં ઈક્વિટીમાં કુલ રોકાણ રૂા.6577 કરોડનું હતું. જેમાં નાણાકીય વર્ષ-17માં 10 ટકાનો વધારો થઈ રૂા.14,982 કરોડનું થયું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને કેન્દ્રીય જાહેર ક્ષેત્ર એન્ટરપ્રાઈસ સ્ટોક્સના એક ઈટીએફમાં રૂા.22,000 કરોડથી પણ વધુનું રોકાણ થયું છે. ઈપીએફઓ ઈક્વિટી રોકાણમાં વાર્ષિક રિટર્ન 13 ટકાથી પણ વધુ છે.       

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer