બે ટોચના પોલીસ અધિકારીને સંડોવનારા `ફેક ન્યૂઝ''થી પોલીસ દળમાં ખળભળાટ

મુંબઈ, તા. 22 : મુંબઈ પોલીસે ગત બે મહિનામાં તેના બે ટોચના પોલીસ અધિકારીને લક્ષ્ય બનાવનારી બે ફેક (બનાવટી) અૉનલાઇન બાતમી જોયા બાદ તેની તપાસ શરૂ કરી છે.
આવી પ્રથમ બાતમી ડીસીપી- ટ્રાફિક અશોક દુધે પર હતી, જે ગત ડિસેમ્બરમાં અૉનલાઇન થઈ હતી અને તેમાં જણાવાયું હતું કે દુધેએ એક લૉટરીમાં રૂા. 9 કરોડ જીત્યા બાદ પોલીસની નોકરી છોડી દીધી હતી.
બીજી બાતમી ગત બુધવારે આવી હતી, જેમાં ડીસીપી, ઝોન-9 પરમજિત સિંહ દહિયાને ટાર્ગેટ કરી કહેવામાં આવ્યું હતું કે તેઓ રૂા. 11 કરોડ રોકડા લઈ જતાં એક ડોમેસ્ટીક ફ્લાઇટમાં પકડાયા હતા અને દહિયાએ તેમને મળેલી રકમ લૉટરીમાં જીતેલી હોવાનો ખુલાસો કર્યા બાદ તેમની વિરુદ્ધના આરોપ પડતા મૂકવામાં આવ્યા હતા.
બંને બાતમીમાં અમુક બાબતો એકસરખી હોવાથી પોલીસનું એવું માનવું છે કે તે એક જ વ્યક્તિનું અથવા વ્યક્તિઓના જૂથનું કામ છે. પહેલી બાતમીથી પોલીસ દળમાં આશ્ચર્ય ફેલાયું હતું જ્યારે બીજીથી ગભરાટ ફેલાયો હતો કેમ કે કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બદનામ કરવાના વ્યવસ્થિત પ્રયાસરૂપે આવી બાતમી રજૂ કરાઈ હતી.
આ કેસની હવે મુંબઈ પોલીસના સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોઈ બંને બાતમી એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અખબારના બનાવટી માસ્ટહેડ હેઠળ પ્રસિદ્ધ કરાઈ હતી તેમ જ ફેસબુક અને વૉટ્સઍપ પર પણ મૂકવામાં આવી હતી. દેખીતી રીતે જ ચોક્કસ અૉનલાઇન લૉટરી તરફ લોકોનું ધ્યાન ખેંચવા આવી બાતમીઓ રજૂ કરાઈ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer