મધ્ય રેલવે 11,160 સીસીટીવી કૅમેરા અને 1106 ટોકબેક ઉપકરણ ખરીદશે

વર્ષ 2018માં તમામ 76 સ્ટેશનો ઉપર એસ્કેલેટર
મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મહિલા પ્રવાસીઓની સલામતી વધારવા માટે મહિલાઓ માટેના બધા ડબામાં `ટોકબેક' સિસ્ટમ બેસાડવામાં આવશે એમ મધ્ય રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે.
મધ્ય રેલવેના ડિવિઝનલ મૅનેજર એસ.કે. જૈને જણાવ્યું હતું કે રેલવે બોર્ડે મહિલાઓના પ્રત્યેક ડબામાં સીસીટીવી કેમેરા બેસાડવાની પરવાનગી આપી છે. તેથી અમે 177 કરોડ રૂપિયાના ખર્ચે 11,160 સીસીટીવી અને 1106 ટોકબેકના ઉપકરણો ખરીદ કરવાના છીએ. ટોકબેક સિસ્ટમમાં મહિલા માટેના બધા ડબામાંની દીવાલ ઉપર બેસાડવામાં આવેલા ડબા જેવા ઉપકરણ ઉપરનું બટન દબાવીને મહિલા પ્રવાસી ટ્રેનના ગાર્ડ સાથે વાત કરી શકશે. રેલવે પ્રોટેક્શન ફોર્સને પેટ્રોલિંગ માટે 33 મોટરસાઇકલ આપવામાં આવશે. તે મોટરસાઇકલોને સંવેદનશીલ સ્ટેશનો ઉપર તહેનાત કરવામાં આવશે. ભીડના વ્યવસ્થાપન માટે મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સના 251 જવાનોની સેવા લેવામાં આવી રહી છે. વર્ષ 2018માં બધાં જ 76 સ્ટેશનો ઉપર એસ્કેલેટર બેસાડવામાં આવશે એમ જૈને ઉમેર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે 155 ઉપનગરીય  રેકની મદદથી મધ્ય રેલવે દરરોજ 1706 ફેરીઓ કરે છે તેમાં મેનલાઇન ઉપર 856, હાર્બર લાઇનમાં 604 અને ટ્રાન્સ હાર્બર લાઇન ઉપર 246  ટ્રેનોનો સમાવેશ થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer