રેલવે રૂટ પર મહિલાઓ માટે નવ `ડેન્જર ઝોન'' દાદર, ચર્ચગેટ, અંધેરી અને કલ્યાણ સ્ટેશન પર સુરક્ષાનો અભાવ

મુંબઈ, તા. 22 : પરાંનાં રેલવે સ્ટેશનો પર મહિલાઓની છેડતીના કેસ વધી રહ્યા છે. ત્રણ રેલવે લાઇનનાં સ્ટેશનો પર સુરક્ષા બાબતે રેલવેએ ત્રુટિઓ શોધી છે. જ્યાં મહિલા સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા સૌથી વધારે છે તેવા નવ `ડેન્જર ઝોન' રેલવેએ ઓળખી કાઢ્યા છે. તેમાંથી ચાર પશ્ચિમ અને પાંચ સ્થળ મધ્ય રેલવેનાં છે.
દાદર સ્ટેશન પરના ક્રોસ-અૉવર બ્રિજ અને અંધેરી સ્ટેશન પરના સાંકડા દાદરા `ડેન્જર ઝોન'માં આવે છે. દાદરના બ્રિજ પર મધ્યમાં લાઇટના બે થાંભલા અને સુરક્ષા ગાર્ડ હોવા છતાં પણ ગિરદીનો ફાયદો ઉઠાવી મહિલા સાથે અણછાજતું વર્તન થવાના કિસ્સા બને છે. અંધેરી સ્ટેશન પર સૌથી વધુ ભીડ હોય છે અને આ દાદરા પર છેડતીની ઘટનાઓ વધારે ઘટે છે. તેમ જ અંધેરી સ્ટેશનના શૌચાલય પણ છાપરા વગરના છે જેને લીધે સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે. હાલ પુરુષ અને મહિલા આરપીએફ અધિકારીઓ આવાં સ્થળે તહેનાત રહે છે, પણ બહુ જ જલદી શૌચાલયો પર છાપરાં મૂકવામાં આવશે.
ચર્ચગેટ સ્ટેશન પર વિરાર તરફ પ્લૅટફૉર્મના છેડા પર પોલીસ હોતી નથી. આરપીએફના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્ત્વો પ્લૅટફૉર્મ પર ફરતા હોય છે અને ધસારા સિવાયના સમયમાં કે મોડી રાત્રે લેડિઝ કોચમાં ચઢીને મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરે છે. મધ્ય રેલવેના કલ્યાણ સ્ટેશન પર પણ બે `ડેન્જર ઝોન' નોંધાયા છે.
રેલવેએ સવારે અને મોડી રાત દરમિયાન લેડિઝ ડબા બહાર તહેનાત સ્ટાફમાં વધારો કરવાનું સૂચવ્યું છે. દુર્ઘટનાઓ ઓછી કરવા અને રેલવે સ્ટેશનોને મહિલા માટે સુરક્ષિત કરવા રેલવેના વરિષ્ઠ અધિકારીઓ તહેનાત કરાયેલો સ્ટાફ બરાબર કામ કરે છે કે નહીં તેના માટે અચાનક તપાસ કરવા નીકળી રહ્યા છે. હાલમાં જ પશ્ચિમ રેલવેના ચીફ સિક્યુરિટી કમિશનરે કરેલી તપાસમાં જણાયું હતું કે સુરક્ષા ગાર્ડ કારણ વગર આમતેમ રખડતા હતા અથવા મોબાઇલમાં વ્યસ્ત હતા. અનેક સ્ટેશનો પર પોલીસો એક જૂથમાં રહીને ઊભા રહેતા હોવાનું પણ સામાન્ય છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer