શિવબંધન પછી હવે શિવસૈનિકોને મળી `વાઘની વીંટી''

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 22 : શિવસેના દ્વારા શિવસૈનિકોને અગાઉ `િશવબંધન' કાંડે બાંધવામાં આવતું હતું, હવે વાઘની વીંટીનું વિતરણ કરાયું છે. મંગળવાર,23મી જાન્યુઆરીએ શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતી નિમિતે આ વિતરણ કરાયું છે. શિવસેનાના કોલાબા વિભાગ દ્વારા સાસૂન ડૉકમાં સંસદસભ્ય અરવિંદ સાવંત, વિભાગપ્રમુખ પાંડુરંગ સકપાળ અને કૃષ્ણા પવળે વગેરે નેતાઓની હાજરીમાં વાઘના મુખની પ્રતિકૃતિ ધરાવતી ખાસ વીંટીઓ વહેંચવામાં આવી હતી. અરવિંદ સાવંતના હસ્તે આ વિભાગના લગભગ 800 શિવસૈનિકોને વીંટી આપવામાં આવી હતી.
2012માં બાળાસાહેબ ઠાકરેનું નિધન થયું હતું. ત્યારબાદ પક્ષમાં ભંગાણ ન પડે અને શિવસૈનિકો ઉપર મજબૂત પકડ રહે તે માટે 2014માં સાયનના સોમૈયા મેદાનમાં શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોના કાંડે શિવબંધન બાંધ્યું હતું. ત્રણ વર્ષ બાદ ફરી એકવાર સૈનિકોને વાઘનું ચિત્ર ધરાવતી વીંટી વહેંચવામાં આવી છે. વિધાનસભાની આગામી  ચૂંટણીને ધ્યાનમાં રાખી વીંટીનું વિતરણ કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શિવસૈનિકોના કાંડા પર શિવબંધન સાથે હવે આંગળીમાં વીંટી પણ દેખાવા લાગશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer