મુંબઈ યુનિવર્સિટીમાં સંશોધન કેન્દ્રની સાત વર્ષથી રાહ જોવાય છે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મુંબઈ યુનિવર્સિટીના રેઢિયાળ કારભારના અનેક ઉદાહરણો નજર સમક્ષ છે. સાત વર્ષ પહેલા મંજુરી થયેલા મહારાષ્ટ્ર સંશોધન કેન્દ્રને શરૂ કરવામાં યુનિવર્સિટીને હજી સફળતા મળી નથી. આ યોજના માટે બજેટમાં ભંડોળ ફાળવવામાં આવ્યો હોવા છતાં હજી સુધી તેનું મુર્હત થયું નથી. તેથી વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થાય છે કે, આ સંશોધન કેન્દ્રનો પ્રસ્તાવ ફક્ત કાગળ પર જ  રહેશે કે શું?
મહારાષ્ટ્ર રાજ્યની સંસ્કૃત, ખેલ, ઈતિહાસ, પરંપરા જેવા વિવિધ વિષયોના અભ્યાસ કરવા માટે મુંબઈ વિદ્યાપીઠના ભૂતપૂર્વ ચાન્સેલર ડૉ. વિજય કોલ્હેના કાર્યકાળમાં મહારાષ્ટ્ર સંશોધન કેન્દ્ર શરૂ કરવાનો પ્રસ્તાવ હતો. તેના માટે અત્યાર સુધી બે સમિતિની નિમણૂક કરવામાં આવી છે. તેમ જ આ યોજના માટે યુનિવર્સિટીના બજેટમાં 18.46 લાખ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. પરંતુ સાત વર્ષ થઈ ગયા હોવા છતાં હજી સુધી વિદ્યાર્થીઓ આ સેવાથી વંચિત છે. વારંવાર પત્રવ્યવહાર બાદ પણ કોઈ પ્રતિસાદ ન મળતો હોવાની ફરિયાદ સેનેટ સભ્ય સંજય વૈરાળે કરી હતી. મહારાષ્ટ્ર સંશોધન કેન્દ્રથી મહારાષ્ટ્રની ઓળખ લોકો સમક્ષ થશે. પરંતુ આ બાબતે યુનિવર્સિટી કોઈ પગલાં લેતી ન હોવાથી આવનારા બજેટમાં તેની ચર્ચા કરવામાં આવશે. આ બાબતે મુંબઈ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. દિનેશ કાંબળેએ ચુપકીદિ સાધી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer