મહારાષ્ટ્રનાં ઇ-સેવા કેન્દ્રોમાં પતંજલિનાં ઉત્પાદનો વેચવાની પરવાનગી સામે વિરોધ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્ર સરકાર દ્વારા આધાર, પાન અને પાસપોર્ટ જેવા દસ્તાવેજો સંબંધી સેવા પૂરી પાડવા માટે સ્થાપવામાં આવેલાં ઇ-સેવા કેન્દ્રોમાં બાબા રામદેવનાં પતંજલિ ઉત્પાદનો વેચવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ઇ-સેવા કેન્દ્રો પતંજલિ આયુર્વેદનાં ઉત્પાદનો વેચશે. ગત સપ્તાહે બહાર પાડવામાં આવેલા આદેશને પગલે વિરોધ પક્ષોએ ભાજપની આગેવાની હેઠળની સરકાર ઉપર પસ્તાળ પાડી છે.
કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે આ નિર્ણયને લીધે હવે મહારાષ્ટ્ર સરકાર પતંજલિનાં ઉત્પાદનો વેચનારી એજન્ટ બની છે. રાજ્ય સરકારે `મી લાભાર્થી'ની જાહેરખબરોમાં બાબા રામદેવની તસવીર મૂકવી જોઈએ. રાજ્ય સરકારે પતંજલિને પાણીના ભાવે 600 એકર જમીન વેચી છે એમ ચવ્હાણે ઉમેર્યું હતું. કૉંગ્રેસના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વીખે-પાટીલે પણ ભાજપની આગેવાની હેઠળની સરકારના આ નિર્ણયનો વિરોધ કરીને તેને રદ કરવાની માગણી કરી છે.
રાષ્ટ્રવાદીના નેતા અને વિધાન પરિષદના વિપક્ષી નેતા ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર માત્ર એક કંપની પ્રત્યે શા માટે પક્ષપાત કરે છે? મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપોને પણ આ ઇ-સેવા કેન્દ્રોમાં ઉત્પાદન વેચવાની પરવાનગી આપવામાં આવે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer